અમદાવાદ, તા. 12 જૂન 2019, બુધવાર
આવતીકાલે ત્રાટકનારા વાવાઝોડાને કારણે ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે સરકારે છેલ્લી ઘડીના પણ તમામ પ્રયત્નો હાથ ધર્યા છે. સરકારની ગણતરી અને ધારણા છે કે વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના 10 જિલ્લાના 31 તાલુકામાં અસર થશે તેમજ 60 લાખથી વધુ લોકો વાવાઝોડાને કારણે પ્રભાવિત થશે.
હોટલોમાં પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા બાદ સરકારે સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કારણકે 120 થી 170 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાનો હોવાથી સરકાર કોઈ ચાન્સ લેવા માંગતી નથી.
વાવાઝોડું હજુ 340 કિલો મીટર દૂર હોવા છતાં આજથી જ એની અસર શરૂ થઈ ગઈ હોય એવું ચિત્ર ઊભું થયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમો વરસાદ શરૂ થયો છે અને પવન ફૂંકાવાનું પણ શરૂ થઈ ગયું છે.
સરકારના ટોચના અધિકારીઓ જાણે છે કે જો આ વાવાઝોડું તેનું અતિ રુદ્ર સ્વરૂપ બતાવશે તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ વરવા દ્રશ્યો જોવા મળશે.
મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે કારણકે અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું આ ચક્રવાત હવે વધુ મજબૂત અને ખતરનાક બની ગયો છે. સરકારે આર્મી અને કોસ્ટગાર્ડના જવાનોને પણ રાહત અને બચાવ માટે તેનાત કરી દીધા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I8h5Fc
via Latest Gujarati News
0 Comments