
મુંબઈ, તા.27 જૂન, 2019, ગુરૂવાર
મુંબઈમાં સૌથી વધુ જમીનધારકોમાંના એક ગોદરેજ પરિવારે શહેરના પરાં વિક્રોલી ખાતેની પોતાની જમીનમાંથી ૧૦૦૦ એકર જમીનને લઈને ઊભી થયેલી ગૂંચ ઉકેલવા ખાસ સલાહકારો અને કાનૂની પેઢીની નિમણૂંક કરી છે. વિક્રોલી ખાતેની આ જમીન જેનો વિકાસ થઈ શકે એમ છે તેનું મૂલ્ય અંદાજે રૂપિયા ૨૦,૦૦૦ કરોડ જેટલું થવા જાય છે. વિક્રોલીમાં આ જમીનનો ભાવ પ્રતિ એકર રૂપિયા ૨૦ કરોડ બોલાતો હોવાનું રિઅલ એસ્ટેટ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું.
ગોદરેજ એન્ડ બોયસના ચેરમેન જમશેદ ગોદરેજે સદર લેન્ડહોલ્ડિંગ્સના પૂન:ગઠન માટે જેએમ ફાઈનાન્સિઅલના ઈન્વેસ્ટમેન્ટ બેન્કર નિમેશ કંપાણી અને વકીલ ઝીઆ મોદીની સેવા લીધી છે જ્યારે તેમના પિતરાઈઓ અદી અને નાદિર ગોદરેજે બેન્કર ઉદય કોટક તથા સિરિલ શ્રોફની સેવા લીધી છે. અદી ગોદરેજ, ગોદરેજ જુથના ચેરમેન છે જ્યારે નાદિર, ગોદરેજ એગ્રોવેટના ચેરમેન છે.
ગોદરેજ એન્ડ બોયસની માલિકીની મજકૂર જમીનના વિકાસને લઈને ગોદરેજ પરિવારના સભ્યો વચ્ચે મતભેદો ઊભા થતા પરિવારના કેટલાક કરારને ફરીથી તૈયાર કરવા પણ ગોદરેજ પરિવાર ચર્ચા કરી રહ્યું હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.
જમશેદ ગોદરેજ પરિવારના સભ્ય વધુ પડતા વિકાસની વિરોધમાં હોવાનું માનવામાં આવે છે જ્યારે અદી તથા નાદીર ગોદરેજ જમીનનો વિકાસ થાય તેમ ઈચ્છી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જમીનની માલિકી ગોદરેજ એન્ડ બોયસના હાથમાં છે જ્યારે જુથની લિસ્ટેડ કંપની ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા તેનો વ્યવસાયીક રીતે વિકાસ મતભેદના કારણો રહ્યા હોવાનું જણાવાયું હતું.
ગોદરેજ પ્રોપર્ટીઝને મુંબઈની સૌથી મોટી વિકાસકાર કંપની તરીકે બનાવવાનો ઈરાદો પણ જાહેરમાં જ જણાવાયો છે. જમીનના વિકાસ સંદર્ભમાં જમશેદ વધુ સ્પષ્ટતા ઈચ્છી રહ્યા હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.
ગોદરેજ જુથ વિક્રોલીમાં ૩૪૦૦ એકર જમીન ધરાવે છે જેમાંથી ૧૦૦૦ એકરનો વિકાસ થઈ શકે એમ છે. બીજી ૧૭૫૦ એકર જમીન પર મેનગ્રોવ્સને કારણે પર્યાવરણિય કારણોસર તેનો વિકાસ થઈ શકે એમ નથી. ૩૦૦ એકર જમીન પર અતિક્રમણ થયેલું છે. જે જમીનનો હિસ્સાનો વિકાસ થઈ શકે એમ છે તેમા પર અંદાજે રૂપિયા એક લાખ કરોડની કિંમતની પ્રોપર્ટીઝ ઊભી થઈ શકે છે.
એમ ગોદરેજના વિક્રોલી સંકુલમાં ચાલતા બાંધકામ પ્રતિ ચોરસ ફૂટના ભાવને આધારે કહી શકાય એમ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZWlJMJ
via Latest Gujarati News
0 Comments