રિતિક રોશનની બહેનની માનસિક બીમારી વણસી

મુંબઇ તા.10 જુન 2019 સોમવાર

મોખરાના અભિનેતા રિતિક રોશનની બહેન અને મોખરાના ફિલ્મ સર્જક રાકેશ રોશનની પુત્રી સુનયના રોશનનો માનસિક વ્યાધિ વણસી ગયો છે અને એને ચોવીસે કલાક ડૉક્ટરોના નિરીક્ષણમાં રાખવામાં આવી છે એેવી માહિતી મળી હતી.

સુનયના બાયપોલર ડિસઓર્ડર નામની માનસિક બીમારીનો ભોગ બની છે. આ બીમારીમાં વ્યક્તિ એવા પ્રકારના વર્તનન ભોગ બને છે જ્યારે એક પળે ખુશમિજાજમાં હોય અને બીજી પળે ઘેરી હતાશામાં સરકી જાય. ક્યારેક અચાનક ઉન્માદ અને આવેશમાં આવી જઇને ધમાલ કરી મૂકે તો ક્યારેક દિવસો સુધી ગમગીન થઇને પલંગ પર પડી રહે. આ બીમારીનો ઇલાજ ક્યારેક વરસો સુધી અને ક્યારેક આજવીન ચાલુ રાખવો પડે છે.

આમ તો સુનયનાની આ સ્થિતિ જગજાહેર હતી પરંતુ હવે એ પરિસ્થિતિ વણસી છે અને સમગ્ર રોશન પરિવાર તીવ્ર ટેન્શનમાં છે એવી જાણકારી મિડિયાને મળી હતી. સુનયનાની મનોદશા અત્યંત નાજુક બની રહેતાં એને સતત ચોવીસે કલાક નિષ્ણાત ડૉક્ટરો અને મનોચિકિત્સકોના નિરીક્ષણ હેઠળ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સુનયના એક તરફ ટીબી અને કેન્સર સામે ઝઝૂમી હતી તો બીજી બાજુ એ પ્રણયભંગ થવાથી હતાશા અનુભવતી હતી. છેલ્લાં દોઢ બે વર્ષથી એ સતત માનસિક સારવાર હેઠળ હતી.

આ સમાચાર મળતાં રોશન પરિવારના કુટુંબીજનો તેમજ સગાંસંબંધીઓ તરત રોશન પરિવારને સાંત્વના આપવા અને જરૃરી સહાય કરવા દોડી આવ્યા હતા. અત્રે એ યાદ રહે કે વીતેલા દાયકાના અભિનેતા કમ ફિલ્મ સર્જક સંજય ખાન અને રાકેશ રોશન એકમેકના વેવાઇ થાય છે. સૌએ રોશન પરિવારને સધિયારો આપ્યો હતો કે અમે મુશ્કેલીની પળોમાં તમારી સાથે છીએ. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I4udvc
via Latest Gujarati News

Post a Comment

0 Comments