અમૃતસર, તા. 11 જૂન 2019, મંગળવાર
પંજાબના સંગરુરમાં 125 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા 3 વર્ષના ફતેહવીર સિંહને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તે જિંદગીનો જંગ હારી ગયો હતો. ફતેહવીરને સવારે લગભગ સવા પાંચ વાગ્યે બોરવેલની બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.
ફતેહવીરને જ્યારે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો ત્યારે તેના શરીર પર સોજો હતો. બાળકને બચાવવા માટે એનડીઆરએફ અને પોલીસ દ્વારા છેલ્લા 109 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષના ફતેહવીર સિંહ ગુરુવારે સાંજે આશરે ચાર વાગ્યે રમતી વખતે બોરવેલમાં પડી ગયો હતો. ફતેહવીરના બોરવેલમાં ફસાયા હોવાની જાણ થતાં એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી.
બોરવેલની અંદર ઓક્સિજનનો સપ્લાય વધારી દેવામાં આવ્યો હતો. બાળકની દેખરેખ રાખવા માટે એક કેમેરો પણ મૂકવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ચોવીસ કલાક ડોક્ટરોની ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવ્યાં હતાં. બાળકને બોરવેલને સમાંતર ટનલ ખોદીને બહાર કાઢવામાં આવ્યો હતો. ફતેહવીરને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો ત્યારે પણ તેની હાલત નાજૂક હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IByMvS
via Latest Gujarati News
0 Comments