
હૈદરાબાદ, તા. 28 જૂન, 2019, શુક્રવાર
કોંગ્રેસે નહેરૂ-ગાંધી પરિવાર પર ધ્યાન કેન્દ્રિત રહે એ માટે પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહરાવને હાંસિયામાં ધકેલી દીધા હતા, જે બદલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માફી માગે.
પી.વી. નરસિંહરાવની આજની જન્મજયંતીના અવસરે એમના પૌત્ર એન.વી. સુભાષે આજે અત્રે આમ જણાવીને ઉમેર્યું કે કોંગ્રેસીજનોએ પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહરાવની જન્મજયંતીએ એમને ઘટતું સન્માન આપ્યુ નહિ.
૧૯૯૬ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધબડકા પછી નરસિંહરાવને એમની સરકારની નીતિઓ સાથે સંબંધિત નહિ એવી અનેક બાબતોના લીધે બાજુમાં મૂકી દેવાયા હતા. કોંગ્રેસ પક્ષે વિચાર્યુ કે જો ગાંધી - નહેરૂ પરિવાર સિવાયના અન્ય કોઇ ચાલુ રહેશે તો કોઇ ગાંધી-નહેરૂ પરિવારના સભ્યોનો ભાવ નહિ પૂછે આથી રાવને બાજુએ મૂકી દેવાયા હતા, એમ હવે ભાજપ સાથે સંકળાયેલા નરસિંહરાવના પૌત્ર એન.વી. સુભાષે એએનઆઇને જણાવ્યું.
કોંગ્રેસ પક્ષની બધી નિષ્ફળતાઓને પી.વી. નરસિંહરાવના માથે મારવામાં આવે છે, જ્યારે એમના યોગદાનની સિધ્ધિ માટે એમને બિરદાવાતા નથી. આ બદલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ માફી માગવી જોઇએ, એમ સુભાષે જણાવ્યું.
૨૦૧૪માં ભાજપમાં જોડાયેલા અને પક્ષના તેલંગાણા એકમના એક સત્તાવાર પ્રવકતા એવા એન.વી. સુભાષે કહ્યું કે આજે નરસિંહરાવની ૯૮મી જન્મજયંતીએ ભાજપ, ટીઆરએસ અને ટીડીપી - એમ બધા પક્ષોએ નરસિંહરાવને પુષ્પાંજલિ અર્પી હતી. પરંતુ તેલંગાણા કોંગ્રેસના કોઇ પણ નેતાએ એમ કર્યું નથી. આ દર્શાવે છે કે તેઓ (સોનિયા અને રાહુલ કેટલા આપખુદ છે એમ સુભાષે ઉમેર્યું.
એમણે કહ્યું કે ૧૯૯૧માં રાજીવ ગાંધીના અવસાન પછી નરસિંહરાવે સત્તાના સૂત્રો સંભાળ્યા. નાણાપ્રધાન તરીકે મનમોહન સિંઘની મદદથી દેશને આર્થિક અંધાધૂંધીમાંથી ઉગાર્યો.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિએ સંસદના સંયુક્ત સત્રને કરેલા સંબોધન બદલ આભારની દરખાસ્તના જવાબમાં કહ્યું કે પી.વી. નરસિંહરાવ મોટા વિદ્વાન હતા અને પીઢ વહીવટદાર હતા. એમણે આપણા દેશને કટોકટીના તબક્કે માર્ગદર્શન પૂરૂં પાડયું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XxFsov
via Latest Gujarati News
0 Comments