
રાજસ્થાનનું ચુરુ 47.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારે ગરમી પડવાની ચેતવણી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.8 જૂન, 2019, શનિવાર
કેરળમાં સત્તાવાર રીતે આજે ચોમાસાનો પ્રારંભ થઇ ગયો હતો. આ સાથે જ દેશમાં ચાર મહિનાની વર્ષા ઋતુનું આગમન થઇ ગયું છે. જો કે ઉત્તર ભારતના લોકોને ગરમીથી કોઇ રાહત મળી નથી. ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી યથાવત છે.
જો કે કેરળમાં વરસાદનું આગમન એક સપ્તાહ મોડું થયું છે. જો કે વરસાદના આગમન સાથે જ કેરળના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો.
આ સમાચાર દેશ માટે સારા છે કારણકે દેશનો મોટા ભાગના વિસ્તારોમાં ખેતી વરસાદ પર આધારિત છે. પશ્ચિમ અને દક્ષિણ ભારતના જળાશયોમાં પાણીનું સ્તર તળિયે પહોંચી ગયું છે. સામાન્ય રીતે કેરળમાં ૧ જૂને વરસાદનું આગમન થાય છે.
છત્તીસગઢના કોરબા જિલ્લામાં ભારે વરસાદ સાથે વીજળી પડતાં ત્રણ લોકોનાં મોત થયા છે. જો કે બીજી તરફ ઉતેર ભારત,મધ્ય ભારત અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ૪૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારે ગરમી પડવાની ચેતવણી આપી છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ આગામી બે દિવસ સુધી ગરમીમાં કોઇ રાહત મળશે નહીં. રાજસ્થાનમાં ચુરુ ૪૭.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ રહ્યું હતું. બિકાનેરમાં પણ ૪૭.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
જમ્મુમાં પણ આજે ૪૦.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશમાં આગામી સપ્તાહમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌૈરાષ્ટમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે આસામ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EZxB8F
via Latest Gujarati News
0 Comments