
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ માત્ર એક દેશ નહીં પણ સમગ્ર વિશ્વની માનવજાતિ માટે ખતરો : મોદીનું માલદિવની સંસદને સંબોધન
નવી દિલ્હી, તા.8 જૂન, 2019, શનિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ પહેલી વિદેશ યાત્રા કરી હતી, તેઓએ ભારતના પાડોશી દેશ માલદિવની મુલાકાત લીધી હતી જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ માલદિવની સંસદમાં સંબોધન કર્યું હતું જે દરમિયાન તેમણે પાકિસ્તાનને આતંકવાદ સહીતના મુદ્દે આડેહાથ લીધુ હતું અને આતંકીઓને મળી રહેલા ફંડને અટકાવવાની અપીલ કરી હતી.
મોદીએ જણાવ્યું હતુ કે સ્પોન્સરેડ આતંકવાદ સમગ્ર વિશ્વ માટે સૌથી મોટો ખતરો છે. સાથે મોદીએ વિશ્વના દેશોને આતંકવાદ સામે લડવા એક થવાની અપીલ કરી હતી. દરમિયાન મોદીને માલદિવના સર્વોચ્ચ નાગરીક એવોર્ડ નિશાન ઇઝ્ઝુદ્દીનથી સન્માનિત કરાયા હતા.
મોદીએ ભારત અને માલદિવના સંબંધોના વખાણ કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે બહુ જ જુના મિત્રતા ભર્યા સંબંધો રહ્યા છે. આજે હું તમને જણાવવા માગુ છું કે માલદિવની લોકશાહીને મજબુત કરવા માટે આજે દરેક ભારતીય માલદિવની જનતાની સાથે છે. આતંકવાદ માત્ર કોઇ એક દેશ નહીં પણ સમગ્ર માનવ જાત માટે મોટો ખતરો છે. તેમ છતા એ બહુ જ દુ:ખદ કહેવાય કે કેટલાક દેશો સારો આતંકવાદ અને ખરાબ આતંકવાદ એમ ભેદ પાડી રહ્યા છે.
બીજી તરફ માલદિવ અને ભારત વચ્ચે આશરે છ જેટલા કરારો પણ થયા હતા. નરેન્દ્ર મોદીએ માલદિવના પ્રમુખ ઇબ્રાહીમ મોહમ્મદ સોહિલ સાથે બેઠક પણ યોજી હતી. જેમાં તેમણે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. બન્ને વચ્ચે આશરે છ જેટલા કરારો થયા હતા જેમાં હાઇડ્રોગ્રાફી, પેસેંજર અને કાર્ગો સમુદ્રી સેવા શરૂ કરવી, માલદિવ સિવિલ સર્વન્ટ માટેના તાલીમ પ્રોગ્રામ માટે એમઓયુ થયા.
માલદિવ નેશનલ ડિફેન્સ ફોર્સ અને ઇન્ડિયન નેવી વચ્ચે એક ટેક્નીકલ એમઓયુ પણ થયા હતા. નરેન્દ્ર મોદી બીજી વખત વડા પ્રધાન બન્યા તે બાદ તેમની આ પહેલી વિદેશ યાત્રા છે. તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવા માટે માલદિવના વિદેશ પ્રધાન અબ્દુલ શાહિદ આવ્યા હતા.
આ પહેલા ૨૦૧૮માં પણ માલદિવના નવા પ્રમુખની શપથવીધીમાં સામેલ થવા મોદી માલદિવ ગયા હતા. આ તેમના કાર્યકાળમાં માલદિવની બીજી મુલાકાત છે. દરમિયાન મોદીને માલદિવના સર્વોચ્ચ સન્માન રુલ ઓફ નિશાન ઇઝ્ઝુદ્દીનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ મોદીને માલદિવના પ્રમુખ મોહમ્મદ સોહિલે આપ્યો હતો.
ભારત માલદિવની સૌથી જૂની શુક્રવાર મસ્જિદની જાળવણીમાં મદદ કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી માલદિવની મુલાકાતે ગયા છે. આ દરમિયાન તેમણે માલદિવની સંસદમાં આપેલા ભાષણમાં જાહેરાત કરી હતી કે માલદિવની સૌથી જુની પૈકી એક શુક્રવાર મસ્જિદના સંરક્ષણ અને દેખરેખરમાં ભારત માલદિવને દરેક પ્રકારની મદદ કરશે. મોદીએ આ મસ્જિદના વખાણ પણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની મસ્જિદ દુનિયાના કોઇ પણ ભાગમાં નહીં જોવા મળે. મોદીએ જે મસ્જિદનો ઉલ્લેખ પોતાના ભાષણમાં કર્યો હતો તેને ૧૬૫૮મા બનાવવામાં આવી હતી. અને તેનો સમાવેશ વિશ્વ હેરિટેજ સ્થળ તરીકે પણ કરવામાં આવ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZmVEX1
via Latest Gujarati News
0 Comments