વાયુની દિશા ભલે બદલાઇ પણ વ્યાપ બહુ મોટો હોવાથી હજી તેની અસર રહેશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તાઃ  13 જૂન 2019, ગુરુવાર

સમુદ્રી વાવાઝોડું વાયુ હાલ તો ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી ઓમાન ભણી ફંટાયું હોવાની માહિતી હવામાન ખાતાએ આપી છે.આમ છતાં વાયુની ભારે અસરથી મુંબઇઅને મહારાષ્ટ્રમાં વરતાઇ હતી.આજે આખો દિવસ મુંબઇનું આકાશ ગોરંભાયેલું રહ્યું હતું.સાથોસાથ આજે સવારે બોરીવલી,કાંદિવલી,દાદર અને લોઅરપરેલથી લઇને ઘાટકોપર વગેરે પરાંમાં હળવી વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.

મહારાષ્ટ્ર-ગોવાનો સમુદ્ર હજી તોફાની રહે અને મોજાં ઊંચાં ઉછળે તેવી શક્યતાપણ હવમાન ખાતાએ વ્યક્ત કરી હતી.આ  જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં નહીં જવાની સૂચના પણ આપવામાં આવી છે.

હવામાનખાતાનાડેપ્યુટીડાયરેક્ટરજનરલ ડો.કે.એસ.હોસાલીકરે એવી માહિતી આપી હતી કે વાયુ સમુદ્રી વાવાઝોડાની ત્રિજ્યા ઘણી મોટી-વિશાળ છે.વાયુના આટલા વિશાળ વ્યાપને કારણે તે દરિયામાંથી ભરપૂર ભેજ પણ ખેંચે છે.સાથોસાથ પવનનું જોર પણ વધે.આ બંને પરિબળોને કારણે તોફાની પવન સાથે મુશળધાર વર્ષા થાય.હાલ તો વાયુની દિશા થોડીક બદલાઇને ઓમાન તરફની થઇ હોવા છતાં તેની અસર હજી ગુજરાત-સૌરાષ્ટ્રમાં રહેશે. 

હવામાન ખાતાનાં સૂત્રોએ એવો વરતારો આપ્યો હતો કે ૧૪-૧૭ જૂન દરમિયાન કોંકણનાં રાયગઢ,રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં ભારે વર્ષા થાય તેવી શક્યતા છે.ઉપરાંત મધ્ય મહારાષ્ટ્રનાં નંદુરબાર,જળગાંવ,નાશિક,અહમદનગર,પુણે અને કોલ્હાપુર વગેરેમાં ૧૪-૧૭ જૂન દરમિયાન ગાજવીજ સાથે હળવી વર્ષા થાય તેવી સંભાવના છે.

આજે કોંકણના તાળા-૯,હર્નાઇ-૮,શ્રીવર્ધન-૭,મુરુડ-૭,રોહા-૬,મ્હાસળા-૫,રત્નાગિરિ-૫,રાજાપુર-૪,વૈભવવાડી-૪,દેવગઢ-૩,કણકવલી-૨,કુડાળ-૨ અને માલવણ-૨ સેન્ટીમીટર જેટલી વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.

મુંબઇનું આકાશ આવતા ૪૮ કલાક દરમિયાન વાદળિયું રહે તેવી શક્યતા છે.આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૨ અને લઘુત્તમ તાપમાન ૨૬.૦ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન૩૪.૫ અને લઘુત્તમ તાપમાન ૨૪.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xd33um
via Latest Gujarati News

Post a Comment

0 Comments