ISIS કેરળ-તમિલનાડુ મોડયુલ કેસ મામલે સતત બીજા દિવસે પણ NIAના દરોડા


(પીટીઆઈ) કોઈમ્બતુર, તા. 13 જૂન, 2019, ગુરૂવાર

આઈએસઆઈએસ કેરળ-તમિલનાડુ મોડયુલ મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ)એ ગુરુવારે સતત બીજા દિવસે પણ દરોડા પાડયા હતા. તપાસ એજન્સીએ બુધવારે સાત જગ્યાઓની તલાશી બાદ છ લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા અને મુખ્ય આરોપી મોહમ્મદ અઝરુદ્દીનની ધરપકડ કરી હતી. 

આ મામલે અઝરુદ્દીનને કોચી લઈ જવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે અને અન્ય પાંચને કોચીની અદાલતમાં હાજર રહેવા કહેવામાં આવ્યું છે.

મોહમ્મદ અઝરુદ્દીન શ્રીલંકામાં ઈસ્ટર સન્ડેના રોજ જે બોમ્બ વિસ્ફોટો થયેલા તેના માસ્ટર માઈન્ડ જાહરા હાશિમનો ફેસબુક ફ્રેન્ડ હતો. પોલીસ વિભાગના સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ રેવન્યૂ અને પોલીસ વિભાગના અધિકારીઓ ગુરુવારે સવારે ૪:૩૦ કલાકથી અન્ય ત્રણ લોકો મોહમ્મદ હુસૈન, શાહજહાં અને હયાતુલ્લાહના ઘરની તલાશી લઈ રહ્યા હતા.

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ૩૦ મેના રોજ કોઈમ્બતુરના રહેવાસી મોહમ્મદ અઝરુદ્દીન ઉપરાંત અકરમ સિંધા, શેખ હિદાયતુલ્લા, અબુબાકર એમ., સદામ હુસૈન અને ઈબ્રાહીમ ઉર્ફે શાહીનના વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેમના વિરુદ્ધ યુવાનોની ભરતી કરવાનો અને દક્ષિણ ભારત તથા ખાસ કરીને તમિલનાડુ અને કેરળમાં આતંકવાદી હુમલાની યોજના બનાવવામાં સંલિપ્તતાને લઈ કેસ નોંધવામાં આવ્યો હતો.

બુધવારે દરોડા દરમિયાન તપાસ એજન્સીએ મોબાઈલ ફોન, પેનડ્રાઈવ, લેપટોપ સહિતના આપત્તિજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. તપાસ એજન્સીએ બુધવારે રાતે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તે લોકોનું લક્ષ્ય દક્ષિણ ભારત અને ખાસ કરીને કેરળ-તમિલનાડુમાં આતંકવાદી હુમલા કરવા માટે યુવાનોને આઈએસઆઈએસ કે દાઈશમાં ભરતી કરવાનું હતું તેમ જણાવ્યું. 

સાથે જ અઝરુદ્દીન મોડયુલનો નેતા હોવાનો આરોપ લગાવ્યો હતો. અઝરુદ્દીન 'ખિલાફજીએફએક્સ' નામનું ફેસબુક પેજ ચલાવતો હતો અને તેની મદદથી પ્રતિબંધિત સંગઠનની વિચારધારાનો પ્રચાર કરતો હતો. તપાસ એજન્સીએ અઝરુદ્દીન આત્મઘાતી હુમલાખોર હાશિમનો ફેસબુક ફ્રેન્ડ હોવાનો તથા મોડયુલના અન્ય સભ્યોએ પણ સોશિયલ મીડિયામાં હાશિમની ચરમપંથી સામગ્રી શેર કરી હોવાનો આરોપ લગાવ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WIQMOT
via Latest Gujarati News

Post a Comment

0 Comments