
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 5 જૂન 2019, બુધવાર
કોઈ વ્યક્તિ નશા માટે વાઈટનર કે બામ વાપરતાં હોવાનું અનેકવાર સાંભળ્યું હશે, પરંતુ મુંબઈના યુવાનોને હવે એક નવું વ્યસન લાગ્યું છે. કારણ મુંબઈના આશરે દર પાંચમાંથી એક યુવાનના દફ્તરમાં પેન, પેન્સિલ નહીં તો પેનના આકારનો હુક્કો જોવા મળી રહ્યો છે.
આ હુક્કો પેનના આકારનો હોવાથી સાહજિકપણે કોઈની નજરે ચડયા વિના સરળતાથી નશો કરી શકાય છે. આથી આ તરફ વાલીઓએ ખાસ ધ્યાન દેવાની જરુર છે. પેન હુક્કો એ ઈ-સિગારેટનો એક પ્રકાર હોઈ સરેરાશ વપરાઈ રહ્યો છે. જોકે સલામ બોમ્બે ફાઉન્ડેશનના સર્વેક્ષણમાંથી બહાર આવેલી આ આંકડાકીય માહિતી આશ્ચર્ય ઉપજાવે તેવી છે.
મુંબઈમાં દર પાંચમાંથી એક યુવાન/યુવતી પેન હુક્કાનો શિકાર બની રહી છે. પેન હુક્કાનું વ્યસન સેવી રહેલાંઓની વયમર્યાદા સાધારણપણે ૧૪ થી ૨૫ વર્ષની છે. એટલુંજ નહીં તો દર બેમાંથી એક છોકરો આ વ્યસનમાં ફસાઈ રહ્યો છે તો સાતમાંથી એક છોકરી આ વ્યસનનો ભોગ બની રહી છે.
મુંબઈની આશરે ૭૩ ટકા યુવાપેઢી ઈ-સિગારેટ અથવા વિવિધ ગેઝેટ્સની વ્યસનાધિન બની રહી છે. સર્વેક્ષણ થયેલાંઓમાંના ૮૦ ટકા છોકરાઓએ માત્ર મોજ ખાતર ઈ-સિગારેટ હાથમાં પકડી જે આગળ જતાં વાસ્તવિક સિગારેટની આદતમાં પલટાઈ ગઈ. તેમજ વ્યસનાધિન ૫૬ ટકા યુવાનો ઈ-સિગારેટ, પેન હુક્કા જેવા ગેઝેટ્સને સુરક્ષિત માનતાં હોવાનું સર્વેક્ષણમાં જણાયું છે.
જે ઉંમરે હાથમાં પેન, પેન્સિલ, પુસ્તકો હોવા જોઈએ તે ઉંમરે યુવાનોના હાથમાં આવા ગેઝેટ્સ જોવા મળી રહ્યાં છે. સમય સાથે પેન, પેન્સિલ, પુસ્તકની જગ્યા હવે મોબાઈલ, લેપટોપ લઈ રહ્યાં છે એ ખરું, પણ આવા ગેઝેટ્સના માધ્યમે જીવલેણ વ્યસનો કેમે કરીને સાંખી લેવા જોઈએ નહીં.
યુવાનોમાં પેન હુક્કાનું વધુ આકર્ષણ 'સ્ટેટસ સિમ્બોલ'?
આજના યુવાનો પેન હુક્કા તરફ વળી રહ્યાં છે તે પાછળનું એક મુખ્ય કારણ એ પણ છે કે, આ પેન હુક્કા ઘરમાં વડીલો-ભાઈબહેનોની સામે પણ લેવામાં આવે તો તેની જાણ આસપાસમાં રહેલાં કોઈને થતી નથી. વાસ્તવિકતા તો એ છે કે પેન લખવા માટે હાથમાં પકડી છે કે હુક્કા તરીકે વાપરવા એજ કોઈ સમજી શકતું નથી. ઉપરાંત આવા હુક્કા દેખાવમાં આકર્ષક તેમજ વિવિધ રંગમાં મળતાં પેન હુક્કા એ યુવાનોનું સ્ટેટસ સિમ્બોલ બની રહ્યું છે.
ઉપરાંત કેન્દ્ર સરકારે હુક્કા પ્રતિબંધનો આદેશ આપ્યા છતાં રાજ્ય સરકાર હુક્કા બાબતે કોઈ કાર્યવાહી કરી રહી નથી. આથી તે ઓનલાઈન માર્કેટ, પાન ટપરી તેમજ ખુલ્લેઆમ ચાલતી હુક્કાબજારોમાં સહેજતાથી મળી જતી હોવાથી પણ તેનું આકર્ષણ વધી રહ્યું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MtEeWX
via Latest Gujarati News
0 Comments