
મુંબઇ, તા. 10 જૂન 2019, સોમવાર
રવિવારે કેન્દ્રિય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ ઘોષણા કરી કે આ વર્ષે બે લાખ ભારતીય મુસલમાનો કોઈપણ પ્રકારની સબસિડી વિના હજયાત્રા કરશે.
મુખ્તાર અબ્બાસ નકવીએ પ્રાઈવેટ ટુર ઓપરેટર્સના પ્રતિનિધિઓની મિટિંગમાં જણાવ્યું હતું કે ૧.૪૦ લાખ હજયાત્રીકો ભારતની હજ કમિટિ દ્વારા જશે જ્યારે ૬૦,૦૦૦ યાત્રી પ્રાઈવેટ ટુર ઓપરેટર્સો દ્વારા જશે. બે લાખ હજયાત્રીઓમાંથી ૪૮ ટકા મહિલાઓ હશે.
આ હજયાત્રીઓ સમગ્ર દેશમાંથી કુલ ૨૧ સ્થળોથી ૫૦૦ કરતા વધુ ફલાઈટસ દ્વારા હજયાત્રા માટે જશે. નકવીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબીયાએ ભારતનો હજનો ક્વોટા વધારાના બે લાખનો કરવાનો નિર્ણય લીધો છે. એને પગલે આઝાદી બાદ પ્રથમવાર ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને બિહારના બધાજ અરજદારો યાત્રાએ જઈ શકશે. હજ ક્વોટાનું વધારો થવાથી એમનું વેઈટીંગ લિસ્ટ કલીયર થઈ ગયું છે.
મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે પુરુષ સાથીદાર વગર હજયાત્રીએ જનાર મહિલા યાત્રીઓની સંખ્યા આ વર્ષે વધી છે. આ વર્ષે ભારતમાંથી ૨૩૪૦ મુસ્લીમ મહિલાઓ પુરુષ સાથીદાર વગર હજયાત્રાએ જશે.
પ્રાઈવેટ ટુર ઓપરેટરોએ ૧૦,૦૦૦ યાત્રીઓને હજ કમિટિએ નક્કી કરેલા રેટ મુજબ હજયાત્રાએ લઈ જવા પડશે. આ વર્ષે ૭૨૫ જેટલા પ્રાઈવેટ ટુર ઓપરેટરો યાત્રાળુઓને લઈ જશે.
હજની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ થવાને કારણે સબસિડી દુર કરવા છતાં હજ યાત્રા સસ્તી થઈ છે. આ ઉપરાંત સમગ્ર કામગીરી યાત્રિકો લક્ષી બની છે. નકવીએ જણાવ્યું હતું કે સરકારની મુખ્ય પ્રાથમિકતા સુરક્ષા અને વધુ સારી સુવિધા છે. આ જ બાબતે કોઈ જ પ્રકારની બેકાળજી ચલાવી નહીં લેવાય મંત્રાલયને ગંભીર ફરિયાદો મળી હોવાને પગલે આ વર્ષે ત્રણ પ્રાઈવેટ ટુર ઓપરેટર્સને બ્લેક લિસ્ટેડ કરવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૧૮માં પણ અનેક ટુર ઓપરેટર્સ સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. કુલ ૧૪ હેલ્થ સેન્ટર્સ ઉભા કરવામાં આવ્યા છે. એમાં ૧૧ મક્કામાં અને ત્રણ મદિનામાં છે. આ ઉપરાંત હજયાત્રીઓને યોગ્ય આરોગ્ય સુવિધા પ્રાપ્ત થઈ શકે એ માટે મક્કામાં ત્રણ અને મદિનામાં એક હોસ્પીટલની સ્થાપના કરવામાં આવી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MFqXut
via Latest Gujarati News
0 Comments