માયાવતીએ આપેલા 'દગા'નો બદલો લેવાની સમાજવાદી પાર્ટીની તૈયારી

નવી દિલ્હી, તા. 26 જૂન 2019, બુધવાર

લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતી જે રીતે સમાજવાદી પાર્ટી અને તેના અધ્યક્ષ અખિલેશ યાદવ પર એક પછી એક હુમલા કરી રહ્યાં છે તેનાથી સમાજવાદી પાર્ટી રોષમાં છે. અખિલેશ યાદવ આ મુદ્દે પાર્ટીના નેતાઓને કોઇ પણ પ્રકારની નિવેદનબાજીથી દૂર રહેવાની તાકીદ કરી છે જેના કારણે સપા નેતાઓ માયાવતી વિરુદ્ધ પોતાનો ગુસ્સો દબાવી રાખવા માટે મજબૂર છે. પરંતુ અંદરખાને માયાવતીએ આપેલા દગાનો બદલો લેવા માટે બ્લ્યૂ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવી રહી છે. સમાજવાદી પાર્ટીના પ્રયાસ છે કે માયાવતીની વોટબેંકમાં ગાબડુ પાડવામાં આવે પરંતુ એ માટે અખિલેશ યાદવ કોઇ ઉતાવળ કરીને બાજી બગાડવા માગતા નથી.

ઉત્તરપ્રદેશમાં સપા-બસપા ગઠબંધનનો સૌથી વધારે ફાયદો માયાવતીને મળ્યો. બસપા રાજ્યમાં શૂન્યમાંથી દસ બેઠકે પહોંચી ગઇ અને તેની વોટબેંક પણ જળવાઇ રહી. બીજી બાજુ અખિલેશ યાદવને ગઠબંધનનો કોઇ ફાયદો ન થયો. સપાને ગત ચૂંટણીની જેમ માત્ર પાંચ બેઠકો જ મળી અને તેના મતોની ટકાવારી પણ ત્રણ ટકા ઘટી ગઇ.

હવે માયાવતી ઉલટું સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ પર દગો કર્યાનો આરોપ મૂકી રહ્યાં છે ત્યારે સપા નેતાઓનું માનવું છે કે અખિલેશ યાદવ કોઇને દગો કરે એવા નથી. લોકસભાની ચૂંટણીમાં અખિલેશ યાદવે ગઠબંધનધર્મ પૂરી ઇમાનદારીથી નિભાવ્યો છે. તેમ છતાં માયાવતીએ ગઠબંધન તોડી નાખીને પેટાચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. હવે સમાજવાદી પાર્ટી માયાવતીની દલિત અને પછાત વોટબેંકમાં ગાબડુ પાડવા ધારે છે. આ માટે અખિલેશ યાદવ હવે લોકો સાથે સંપર્ક અને સંવાદ કરવાની યોજના બનાવી રહ્યાં છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LhvfWt
via Latest Gujarati News

Post a Comment

0 Comments