નવી દિલ્હી, તા. 26 જૂન 2019, બુધવાર

આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ સત્તા ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં છે. આંધ્રપ્રદેશના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી વાઇએસ જગનમોહન રેડ્ડીએ ચંદ્રબાબુ નાયડૂનું અમરાવતી સ્થિત નિવાસસ્થાન 'પ્રજા વેદિકા' તોડી પાડવાના આદેશ આપ્યાં છે.

ચંદ્રબાબુ નાયડૂ વિદેશમાં લાંબી રજાઓ ગાળીને આજે ભારત પહોંચ્યાં છે અને તેઓ સીધી તેમના નિવાસસ્થાન 'પ્રજા વેદિકા' ખાતે પહોંચવાના છે. અહીંયા તેમની બિલ્ડીંગ તોડી પાડવાના આદેશના વિરોધમાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યાં છે.

આંધ્રપ્રદેશની સત્તામાંથી વિદાય થયા બાદ ચંદ્રબાબુ નાયડૂને મળતી સગવડોમાં ઘટાડો થઇ રહ્યો છે. તેલગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડૂના પરિવારના સભ્યોની સુરક્ષામાં પણ કપાત કરવામાં આવી છે. બીજી બાજુ તેમના નિવાસસ્થાન પ્રજા વેદિકાનું બિલ્ડીંગ તોડવાની કામગીરી મંગળવારથી શરૂ થઇ ચૂકી છે. થોડા દિવસો પહેલાં ચંદ્રબાબુ નાયડૂએ જગનમોહન રેડ્ડીને પત્ર લખીને 'પ્રજા વેદિકા'ને વિપક્ષના નેતાનો સરકારી આવાસ જાહેર કરવાની માંગ કરી હતી પરંતુ તેમની એ માંગ ફગાવી દેવામાં આવી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ILeilJ
via Latest Gujarati News