નવી દિલ્હી, તા. 26 જૂન 2019, બુધવાર
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો પોતાની પહેલી ભારતયાત્રા પર મંગળવારે મોડી રાતે દિલ્હી પહોંચી ગયા છે. આજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત યોજશે. ભારત અને અમેરિકા વચ્ચે અનેક મુદ્દે વાતચીત થવાની છે એવામાં તમામની નજર પોમ્પિયોની ભારતયાત્રા પર છે.
અમેરિકાના વિદેશમંત્રી સાથે ભારત આતંકવાદ, ઇરાન અને એન્ટીમિસાઇલ સિસ્ટમ S-400 પર વાતચીત કરશે. ભારત રશિયા પાસેથી S-400 એન્ટીમિસાઇલ સિસ્ટમ ખરીદવાનું છે પરંતુ અમેરિકા તેનો વિરોધ કરી રહ્યું છે અને ભારતને પ્રતિબંધની ધમકી પણ આપી રહ્યું છે.
મોદી-પોમ્પિયોની મુલાકાત આવતા અઠવાડિયે યોજાનારી G-20 બેઠક પહેલા યોજાઇ રહી છે. જાપાનના ઓસાકામાં યોજાનારી આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે દ્વીપક્ષીય મંત્રણા યોજાવાની છે. એવામાં આ મુલાકાતમાં ઓસાકા ખાતેની બેઠકના એજન્ડા પર વાત થઇ શકે છે.
ભારત અને અમેરિકા વચ્ચે હાલના સમયમાં સંબંધ ઠીકઠાક નથી. અમેરિકા અને ઇરાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અમેરિકાની માંગ છે કે ભારત ઇરાન પાસેથી પેટ્રોલિયમ ન ખરીદે અને ભારત માટે પેટ્રોલિયમ વિના મુસીબત સર્જાય એમ છે. એ સાથે જ રશિયા સાથેના S-400 મિસાઇલ સિસ્ટમ સોદા પર અમેરિકા વાંધો ઉઠાવી રહ્યું છે. આ મુદ્દે પણ વાતચીત થવી નક્કી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2X96S4q
via Latest Gujarati News
0 Comments