રાજસ્થાનના પ્રખ્યાત લોક નૃત્યકાર 'ક્વીન હરીશ' સહિત ચારનું માર્ગ અકસ્માતમાં અવસાન


(પીટીઆઈ) જોધપુર, તા. 2 જૂન, 2019, રવિવાર

રાજસ્થાનમાં જોધપુર પાસે થયેલા એક માર્ગ અકસ્માતમાં વિશ્વભરમાં પ્રખ્યાત ડાન્સ ગુરુ ક્વીન હરીશ અને ત્રણ અન્ય લોક કલાકારોના મોત થયા છે જ્યારે પાંચ લોકોને ઈજાઓ પહોંચી છે. ક્વીન હરીશ સહિત અન્ય લોકો રવિવારે સવારે જેસલમેરથી અજમેર તરફ જઈ રહ્યા હતા.

તે સમયે જોધપુરમાં હાઈવે નજીક તેમની એસયુવી ગાડીને અકસ્માત નડયો હતો. બિલાડા પોલીસ સ્ટેશનના એસએચઓ સીતારામ ખોજાએ જણાવ્યું કે, તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પોતાની ટીમ સાથે જઈ રહ્યા હતા ત્યારે ગાડીનો ટ્રક સાથે અકસ્માત થયો હતો જેમાં હરીશ સહિત ચાર કલાકારો મૃત્યુ પામ્યા હતા. 

મુખ્યમંત્રી અશોક ગેહલોતે મૃતકોના પરિવારજનોને શાંત્વના પાઠવી હતી. તેમણે કહ્યું કે, 'જોધપુરમાં પ્રખ્યાત કલાકાર ક્વીન હરીશ સહિત ચાર લોકોનું માર્ગ અકસ્માતમાં નિધન થયું તે દુખ:દ સમાચાર છે. રાજસ્થાનની લોક કલા અને સંસ્કૃતિને સમર્પિત હરીશે પોતાની વિવિધ નૃત્ય શૈલીઓથી જેસલમેરને નવી ઓળખ અપાવી હતી.

તેનું મોત લોક કલા ક્ષેત્રે ભારે મોટું નુકસાન છે.' જેસલમેરના વતની હરીશ કુમાર 'ક્વીન હરીશ' તરીકે લોકચાહના પામ્યા હતા અને તેમના ઘૂમર, કાલબેલિયા, ચાંગ, ભવાઈ, ચરી સહિતના લોક નૃત્યો ખૂબ ખ્યાતિ પામ્યા હતા. તેમણે પોતાની લોક નૃત્યની પ્રતિભા વડે વૈશ્વિક ઓળખ પ્રાપ્ત કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W8GjHi
via Latest Gujarati News

Post a Comment

0 Comments