ચોમાસુ ઢીલમાં પડતા ચોખાના ઉત્પાદન પર અસર પડવાની જોવાતી શકયતા


મુંબઇ, તા. 21 જૂન 2019, શુક્રવાર

આ વર્ષે ચોમાસુ મોડું બેસતા દેશમાં મુખ્ય ખરીફ પાક ચોખાના વાવેતર પર અસર પડવાની વકી છે, જેને કારણે ચોખાનું ઉત્પાદન ઓછું ઊતરવાની ગણતરી મુકાઈ રહી છે. આ ઉપરાંત ખેડૂતો ચોખાના પાકને છોડીને અન્ય પાક તરફ પણ વળી રહ્યાનું જોવા મળી રહ્યું છે.

વિશ્વમાં ચોખાના બીજા મોટા ઉત્પાદક ભારતમાં આ વર્ષે ઉનાળો અતિ ગરમ રહ્યો છે. ઊંચા તાપમાન અને પ્રારંભિક વરસાદના અભાવને કારણે ખેડૂતો પેડ્ડીનું ટ્રાન્સપ્લાન્ટેશન મોકૂફ રાખી રહ્યા છે. 

દેશના ચોખાના બે મોટા ઉત્પાદક રાજ્યો ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ટ્રાન્સપ્લાન્ટેશનની કામગીરી ગયા વર્ષની સરખામણીએ અડધી થઈ છે. સુકા હવામાનને ધ્યાનમાં રાખી ખેડૂતો ટ્રાન્સપ્લાન્ટેશનને બદલે જલદીથી પાકી જાય તેવી જાતિના ચોખાનું વાવેતર કરવાનો વ્યૂહ અપનાવી રહ્યા હોવાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 

વરસાદની ખેંચને કારણે દક્ષિણ ભારતમાં પેડ્ડીના વાવેતર પર અસર પડી છે. સામાન્ય રીતે ભારતમાં નૈઋત્યનું ચોમાસુ કેરળમાં ૧લી જુને આવી જતું હોય છે પરંતુ આ વર્ષે એક સપ્તાહ મોડું બેઠું છે અને તે પ્રગતિ પણ મંદ થઈ રહી છે. વાયુ વાવાઝોડાએ હવામાનની સ્થિતિ પર અસર કરી છે. 

ઉત્તર પ્રદેશમાં ખેડૂતોએ અન્ય પાક તરફ વળતા પહેલા પેડ્ડીનું પ્લાન્ટેશન બે સપ્તાહ મોડુ કરવાનો વિકલ્પ અપનાવ્યો છે. ચોમાસુ ઢીલમાં પડતા ખેડૂતો કઠોળ, તેલીબિયાં, મકાઈ જેવા અન્ય પાક તરફ વળે તેવી શકયતા જોવાઈ રહી છે. 

૨૦૧૮-૧૯ની મોસમમાં દેશમાં ૧૧.૫૬ કરોડ ટન ચોખાનું વિક્રમી ઉત્પાદન થવાને પગલે અન્ન સલામતિ માટે સરકાર પાસે વધારાનો બફર સ્ટોક હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. વરસાદની અછતને કારણે જો ચોખાના ઉત્પાદન પર અસર પડશે તો તેના ભાવમાં ઉછાળો આવવા ઉપરાંત નિકાસ પર પણ અસર જોવા મળી શકે છે. ભારત ખાતેથી ચોખાની મોટી માત્રામાં નિકાસ થાય છે. 

ઉત્તર પ્રદેશમાં સિંચાઈ સુવિધા છે પરંતુ ગરમ હવામાન ચોખાના વાવેતર માટે સાનુકૂળ સ્થિતિ રહેવા દેતું નથી એમ પણ કૃષિ ખાતાના સુત્રોએ જણાવ્યું હતું. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2RrT7Ih
via Latest Gujarati News

Post a Comment

0 Comments