મુંબઇ તા. 11 જૂન 2019 મંગળવાર
અલીગઢમાં સાવ કૂમળી બાળકી પર દુષ્કર્મ પછી કરાયેલી તેની હત્યાના સંદર્ભમાં અભિનેત્રી તનુશ્રી દત્તાએ એક ખુલ્લો પત્ર લખીને એવી દહેશત વ્યક્ત કરી હતી કે આવી ઘટનાઓ સામે દુર્લક્ષ સેવવામાં આવશે તો સમાજમાં કોઇ મહિલા સુરક્ષિત નહીં રહે.
અગાઉ સિનિયર અભિનેતા નાના પાટેકર પર જાતીય ગેરવર્તનનો આક્ષેપ કરી ચૂકેલી તનુશ્રીએ કહ્યંુ હતું કે આપણે આધુનિક ટેક્નોલોજી અને પૈસા દ્વારા જીવનને સગવડદાયી બનાવી દીધું છે પરંતુ માનવીય મૂલ્યોને જાળવવામાં આપણે સૌ નિષ્ફળ નીવડયા છીએ.
તનુશ્રીએ લખ્યું છે કે બળાત્કાર જેવી ગંભીર બાબતો પ્રત્યે આપણે દુર્લક્ષ સેવીએ છીએ એટલે આજે મહિલાઓ સુરક્ષિત રહી નથી. અલીગઢની દુર્ઘટના અંગે રોષ વ્યક્ત કરતાં એણે લખ્યું છે કે આપણો સમાજ એટલેા નીચ બની ચૂક્યો છે કે ત્રણ વર્ષની કૂમળી બાળકી પણ હવે સલામત રહી નથી.
આ બહુ જોખમી અને ખતરનાક બાબત છે. સમાજે તત્કાળ જાગૃત થઇ જવાની જરૃર છે નહીંતર જતે દિવસે કોઇ કહેતાં કોઇ મહિલા સુરક્ષિત નહીં રહે એમ તનુશ્રીએ લખ્યું છે. એથી પણ આગળ વધીને એણે એવી આગાહી કરી છે કે સમગ્ર સમાજ જતે દિવસે ખતમ થઇ જશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wyr1kh
via Latest Gujarati News
0 Comments