વાયુ વાવાઝોડાએ મુંબઇમાં પણ અસર દેખાડી:ભારે પવનથી હોર્ડિંગ પડતા એકનું મોત


- શહેરના દરિયા કિનારે સુરક્ષાના જડબેસલાખ પગલાઃવિમાની ઉડ્ડયનો ઉપર માઠી અસર

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા. 12 જૂન 2019, બુધવાર

અરબી સમુદ્રમાં તૈયાર થયેલા વાયુ સાયકલોનએ આજે બપોરે પોતાની દિશા ગુજરાત તરફ ફાંટી દીધી હતી. છતાં અરબી સમુદ્રમાં વાયુ સાયકલોનની અસર મુંબઇને આશિંક પડી હતી. જોરદાર પવન ફૂંકાવાને લીધે મુંબઇનાં હોર્ડિગ્સનો હિસ્સો તૂટવાથી એકનું મોત, સ્કાયવોક પરની સીટ પડતા ત્રણ જણ જખમી થયા હતા. વૃક્ષ ધરાશાયી થતા કારને નુકસાન થયું હોવાની ઘટનાની માહિતી મુંબઇ મહાનગર પાલિકાએ આપી હતી.

જોકે હવામાન વિભાગે આપેલા સતર્કતાની સૂચનાથી પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટે કોઇપણ અનિચ્છનીય ઘટના બને તો તેને પહોંચી વળવા દરિયા કિનારે સહિત વિવિધ ઠેકાણે સુરક્ષા પગલા હાથ  ધર્યા હતા.

મુંબઇમાં પવન ૫૦ થી ૫૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતો હતો. સમુદ્રમાં મોજા ખૂબજ ઊંચે ઉછલતા હતા.

વાયુ સાયકલોનની ખાસ અસર મુંબઇને પડી ન હતી. છતાં તેનું પરિણામ પવન ફૂંકાવાના સ્વરૂપે જોવા મળ્યું હતું. આવતીકાલે પણ હવાનું જોર કાયમ રહેશે.

જોરદાર પવન ફૂંકાવાની વરસાદ  વરસતો હોવાને લીધે મુંબઇના તમામ દરિયા કિનારે પર્યટકો અને મુંબઇગરાને જતાં પોલીસની મદદથી અટકાવવામાં આવતા હતા. પાલિકાએ તહેનાત કરેલા લાઇફ ગાર્ડર્સ સતત દરિયા કિનારે પેટ્રોલીંગ કરતાં હતા. આ સિવાય પોલીસ પણ પેટ્રોલીંગ કરતી હતી. સતત દરિયા કિનારે નહિં જવાની સૂચના અપાતી  હોવાનું પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીએ જણાવ્યું હતું. દરિયા કિનારે આપત્તી સમયે મદદ મળી રહે તે માટે સિટી ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (સી.ડી.આર.એફ) અને અગ્નિશમન દળ પણ તહેનાત છે.

જોરદાર પવન ફૂંકાવાથી ચર્ચગેટ સ્ટેશન નજીક હોર્ડિંગ્સનો એક હિસ્સો ધરાશાયી થતાં એક ૬૨ વર્ષીય વૃદ્ધ મૃત્યુ પામ્યો હોવાની ઘટના બની હતી.

બાંદરા (પ)માં એસ.પી.રોડ. પર સ્કાય વોર્ક પુલની એક્રેલીક સીટ તૂટી પડતા પુલની નીચેથી પગપાળે પસાર થતી ત્રણ મહિલા જખમી થઇ હતી.

ઇજાગ્રસ્તોને બાંદરા ભાભા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ છે. જોરદાર પવન ફૂંકાવાને લીધે એક્રેલીકની સીટ ઊડી ગઇ હતી.

બોરીવલી (પ) ગોરાઇ ખાતે ગણેશ મંદિર પાસે એક ઘટાદાર વૃક્ષ એક કાર પર ધરાશાયી થયું હતું, એમ પાલિકાના કંટ્રોલ રૂમે જણાવ્યું હતું.

આ સિવાય શહેરમાં એરલાઇન્સ પર અસર પડી હતી. વિમાનનું ઉડાન વિલંબથી થાયુ હોવાનું જાણવા મળ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2RcuAGK
via Latest Gujarati News

Post a Comment

0 Comments