નારાજ નિતિશ : મંત્રી મંડળના વિસ્તરણમાં ભાજપ બાકાત


વિધાનસભાની ચૂંટણી સુધીમાં જદ(યુ) બિહારમાં ભાજપ સાથે છેડો ફાડવાની તૈયારીમાં 

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ ફરી નિતિશ ઉગ્ર બનાવશે

નવી દિલ્હી, તા. 2 જૂન, 2019, રવિવાર

લોકસભાની ચૂંટણીના પરીણામો બાદ જદ(યુ) અને ભાજપ વચ્ચે હવે ફાટા પડવાની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. અગાઉ જદ(યુ)એ નવી મોદી સરકારમાં મંત્રીમંડળમાં બે નેતાઓનો સમાવેશ કરવાની માગણી કરી હતી જેનો સ્વીકાર ન થતા બાદમાં નિતિશે કેન્દ્ર સરકારમાં સામેલ થવાની જ ના પાડી દીધી હતી.

હવે બિહારમાં પણ તકરાર ચાલુ થઇ ગઇ છે. નિતિશ કુમારે બિહાર સરકારમાં હાલ જે ભાજપ અને જદ(યુ)ના ગઠબંધન વાળી સરકાર છે તેના મંત્રીમંડળમાં ફેરફાર કર્યા હતા અને નવા આઠ મંત્રીઓને સામેલ કર્યા હતા જોકે તેમાં ભાજપના એક પણ નેતાને મંત્રી પદ નથી આપ્યું. 

એટલે કેન્દ્ર સરકારમાં ઇચ્છા મુજબ સ્થાન ન મળતા રાજ્ય સરકારમાં પોતાની ઇચ્છા મુજબના પોતાના પક્ષના જ નેતાઓને મંત્રીપદ આપી દીધુ હતું અને તેમાંથી ભાજપની બાદબાકી કરી નાખી છે. જેને પગલે હવે ભાજપ અને જદ(યુ) વચ્ચે તકરાર વધી શકે છે.

આ સાથે જ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની પોતાની માગણીને પણ તેજ કરી દીધી છે. સાથે કાશ્મીર સાથે સંકળાયેલા આર્ટિકલ ૩૫એને હટાવવાની માગણી ભાજપના નેતાઓ કરી રહ્યા છે જ્યારે નિતિશ કુમાર અને જદ(યુ) તેમાં ભાજપને સાથ આપવાની ના પાડી રહ્યા છે. 

આ અંગે જદ(યુ)ના નેતા કેસી ત્યાગીએ કહ્યું હતું કે બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવી સ્થિતિમાં કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં સામેલ થવું બિહારની જનતા સાથે ન્યાય નહીં થાય. જોકે અમે ન તો ભાજપ સાથે નારાજ છીએ ન તો સંતુષ્ટ છીએ.

નિતિશ કુમારે બિહાર કેબિનેટમાં રવિવારે મોટા ફેરફાર કર્યા હતા અને આઠ નવા મંત્રીઓને સામેલ કર્યા છે. અને જે પણ મંત્રીઓને સામેલ કર્યા તે બધા જ જદ(યુ)ના છે, ભાજપના કોઇ નેતાને સ્થાન નહોતુ આપ્યું. આ ઉપરાંત એલજેપી પણ બિહારમાં ગઠબંધનમાં છે જોકે તેને પણ સ્થાન નહોતુ આપ્યું. 

નિતિશે બિહારમાં ભાજપ સામે મોરચો ખોલી સંકેતો આપી દીધા : આરજેડી 

રવિવારે બિહાર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં આઠ નવા મંત્રીઓને સામેલ કરાયા હતા જે બધા જ જદ(યુ)ના હતા, જ્યારે ભાજપના એક પણ નેતાને નિતિશે સ્થાન નહોતુ આપ્યું. પરીણામે હવે બિહારના રાજકારણમાં ગરમાહટ  શરૃ થઇ ગઇ છે.

વિપક્ષમાં બેઠેલા લાલુ યાદવના પક્ષ આરજેડીએ કહ્યું હતું કે પહેલા જ આ ચૂંટણીમાં મુદ્દાઓ હારી ગયા અને મોદીજી જીતી ગયા. આરજેડીના નેતા મનોજ ઝાએ જણાવ્યું હતું કે નિતિશ કુમારે સંકેતો આપી દીધા છે.

નિતિશ કુમારે એક શબ્દનો ઉપયોગ કર્યો હતો, તેમણે સાંકેતિક ભાગીદારીની વાત કરી જ્યારે લોકતંત્રમાં ભાગીદારી સાંકેતિક નથી હોતી પણ વાસ્તવિક હોય છે. નિતિશ કુમારે ભાજપ વિરુદ્ધમાં જ નિવેદનો કર્યા છે અને બિહારની જનતાને પણ સંકેતો આપી દીધા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HUQzPP
via Latest Gujarati News

Post a Comment

0 Comments