જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન છ માસ લંબાવાયું


ચૂંટણી પંચ તારીખ જાહેર કરશે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી માટે કેન્દ્ર તૈયાર

લોકસભામાં જમ્મુ-કાશ્મીર રિઝર્વેશનબિલ પસાર  આંતરરાષ્ટ્રીય સરહદે રહેતા લોકોને અનામતનો લાભ મળશે

નવી દિલ્હી, તા. 28 જૂન, 2019, શુક્રવાર

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ મહિના માટે લંબાવવાની મંજૂરી લોકસભામાં મળી ગઇ છે. આ ઉપરાંત આજે લોકસભામાં જમ્મુ-કાશ્મીર રિઝર્વેશન(એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૧૯ પણ પસાર કરવામાં આવ્યું હતું.  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ મહિના લંબાવવાનો પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં હાલમાં વિધાનસભા ચૂંટણી કરાવવા યોગ્ય વાતાવરણ નથી.

જો કે કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને લંબાવવાના સરકારના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. ૩ જુલાઇ, ૨૦૧૯થી ૬ મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન અમલમાં રહેશે. અમિત શાહે લોકસભામાં જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવતા સંસદમાં કોંગ્રેસના સાંસદોએ વિરોધ કર્યો હતો. 

ગૃહ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચ તારીખ જાહેર કરશે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી લોકતાંત્રિક, મુક્ત અને યોગ્ય વાતાવરણમાં યોજવામાં આવશે. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ હંગામી હતી નહીં કે કાયમી. 

આજે પસાર કરવામાં આવેલા જમ્મુ-કાશ્મીર રિઝર્વેશન(એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૧૯ અગાઉની સરકારે રજૂ કરેલા વટહુકમનું સ્થાન લેશે. આ બિલ હેઠળ જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદે રહેતા લોકોને સીધી ભરતી, બઢતી અને પ્રોફેશનલ કોર્સમાં એડમિશનમાં અનામતનો લાભ મળશે. 

કોંગ્રેસની ટીકા ચાલુ રાખતા અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં ૧૩૨ વખત બંધારણની કલમ ૩૫૬ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું જેમાંથી કોંગ્રેસે ૯૩ વખત રાષ્ટ્રપતિ શાસન નાખ્યું હતું. અમે ૯૧૯ લોકોની સુરક્ષા દૂર કરી છે કારણકે તેમની સુરક્ષા સામે હવે ખતરો નથી. 

અનામત સંશોધન બિલ શું છે?

જમ્મુ-કાશ્મીર રિઝર્વેશન એક્ટ, ૨૦૧૪માં સંશોધન કરવા બિલને આજે લોકસભામાં મંજૂરી મળી ગઇ હતી.  આ બિલ હેઠળ જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદે રહેતા લોકોને સીધી ભરતી, બઢતી અને પ્રોફેશનલ કોર્સમાં એડમિશનમાં અનામતનો લાભ મળશે. અત્યાર સુધી આ બિલનોે વાસ્તવિક સરહદ નિયંત્રણ રેખા(એએલઓસી) પર રહેતા લોકોને મળતો હતો હવે આ સંશોધન બિલથી આતંરરાષ્ટ્રીય સરહદના ૧૦ કિમીના વિસ્તારમાં રહેતા લોકોને મળશે. અમિત શાહે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વારંવાર તંગદિલીને કારણે સુરક્ષિત સ્થળોએ જવુ પડતું હોવાથી તેમના ભણતર પર અસર પડે છે કારણ કે સરહદ પાસેની શિક્ષણ સંસ્થાઓ લાંબા સમય સુધી બંધ રહેશે. 

કોરમ ન થતા લોકસભાની  કાર્યવાહી સ્થગિત  

૧૭મી લોકસભાની રચનાને ૧૫ જ દિવસ થયા છે ત્યારે કોરમ ન થવાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. નિયમ અનુસાર કુલ સાંસદોના ૧૦ ટકા સાંસદો એટલે કે ૫૫ સાંસદો હાજર હોય તો જ કોરમની શરત પૂર્ણ થાય છે. આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને કોરમનો મુદ્દો ઉઠાવ્યો હતો. સંસદમાં સાંસદોની હાજરી દસ ટકા પણ ન થતા લોકસભા અધ્યક્ષને કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xkgV7K
via Latest Gujarati News

Post a Comment

0 Comments