
- ઉત્તર પ્રદેશના બાંડામાં 47.2, રાજસ્થાનના ચુરૂમાં 47.3, રાજધાની દિલ્હીમાં 44 તે હરિયાણામાં 45.3 ડિગ્રી
નવી દિલ્હી,તા. 5 જૂન 2019, બુધવાર
પાછલા એક અઠવાડિયાથી ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં આકાશમાંથી અગ્નિવર્ષા થઇ રહી છે. બુધવારે પણ વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. ત્યારે આ બધા વચ્ચે હવામાન વિભાગ દ્વારા ચોમાસુ પાછળ ધકેલાશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે દર વર્ષે ૧ જુન સુધીમાં ચોમાસુ કેરળ પહોંચી જાય છે. જ્યારે આ વર્ષે ચામાસુ એક સપ્તાહ મોડું થશે. હવામાન વિભાગે ૮ જુનના રોજ કેરળમાં ચોમાસાના પહોંચવાની આગાહી કરી છે. પ્રાઇવેટ હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા ૪ થી ૭ જુન વચ્ચે કેરળમાં ચોમાસાની આગાહી કરવામાં આવી છે.
તો દેશમાં હીટવેવની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં પારો ૪૭ ડિગ્રી પર પહોંચ્યો હતો. આ પ્રદેશના અમુક વિસ્તારોમાં તો સામાન્ય વરસાદ પણ થયો હતો. આમ છતા ત્યાં ગરમીથી રાહત જોવા મળી નથી. ઉત્તર પ્રદેશનું બાંડા ૪૭.૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ હતુ. તો ઝાંસીમાં પણ પારો ૪૭ ડિગ્રી પર પહોંચ્યો હતો.
આગ્રામાં ૪૫.૫ ડિગ્રી અને અલ્લાહાબાદમાં લોકોએ ૪૪.૭ ડિગ્રી તાપનો સામનો કરવાનો વારે આવ્યો હતો. રાજસ્થાનમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી છે. બુધવારે પણ સૌથી ઉંચુ તાપમાન ૪૭.૩ ડિગ્રી ચુરુનું જ નોંધાયુ હતું. ઉપરાંત કોટામાં ૪૭, ગંગાનગરમાં ૪૬.૮, બિકાનેરમાં ૪૬, જેસલમેરમાં ૪૫.૧, અજમેરમાં ૪૪.૫ ડિગ્રી તાપમાનમાં લોકો શેકાયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૪૮ કલાક સુધી આ ગરમી ઓછી થવાની કોઇ શક્યતા નથી. દેશની રાજધાની દિલ્હીમાં પણ સતત ગરમીનો પ્રકોપ યથાવત છે. પાટનગરના કેટલાક વિસ્તારોમાં પારો ૪૪ ડિગ્રી પર પહોંચ્યો હતો. હરિયાણાના નારનુલમાં પણ ૪૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો હિસારમાં સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધીને પારો ૪૪.૯ પર પહોંચ્યો હતો. તો બિમાચલ પ્રદેશમાં પણ વરસાદ થવા છતા તાપમાન ૪૩ ડિગ્રી જોવા મળ્યુ છે. આ સિવાય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં વંટોળ, ડમરીઓ અને કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની આગાહી પણ આપી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IoxTql
via Latest Gujarati News
0 Comments