શિવસેનાના આદિત્ય ઠાકરે જ હશે મુખ્ય પ્રધાનપદના દાવેદારઃરાઉત


- યુવાસેનાના અધ્યક્ષને વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રાખવા માટે વરલી, માહિમ, શિવડી વિસ્તારની ચકાસણી

(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 12 જૂન 2019, બુધવાર

લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામો આવ્યા અને કેન્દ્રમાં ફિર એક બાર મોદી સરકાર આવ્યા બાદ હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ભણકારા જોરશોરથી વાગવા માંડયા છે અને અત્યાર સુધી ચૂપકીદી સાધવામાં આવેલા સંજય રાઉત આ શિવસેનાના નેતાનો અવાજ ફરીથી બુલંદ થવા માંડયો છે.

શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના સુપુત્ર યુવાસિના પ્રમુખ આદિત્ય ઠાકરે માટે પૂરજોશથી સંજય રાઉત બોલવા માંડયા છે અને વિધાનસભા ચૂંટણી ૨૦૧૯માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદના પ્રમુખ દાવેદાર માત્ર આદિત્ય જ હશે એવું છાતી ઠોકીને આજે રાઉતે કહ્યું છે. એટલું જ નહી પણ ભાજપના નેતાઓ સુધીર મુનગંટીવાર અને ચંદ્રકાંતદાદા પાટિલને મુખ્ય પ્રધાનપદ અંગે બોલવાનો કશો અધિકાર નથી, એવું પણ સ્પષ્ટ  રીતે બોલી બનાવ્યું છે.

લોકસભાની મહારાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી ભાજપને ૪૩ અને શિવસેનાને ૧૮ બેઠકો મળી છે અને વિધાનસભાની ૨૮૮માંથી આશરે ૨૨૦થી વધુ બેઠકો યુતિના પલડામાં આવી શકે એવી આગાહી આપવામાં આવી રહી છે ત્યાં જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદને લઇને ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે રસ્સાકસ્સી ચાલતી હોવાનું દેખાઇ આવે છે.

૧૯ જૂન ૧૯૬૬ના દિવસે બાળા સાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કર્યા બાદ આશરે ૫૦ વર્ષ તેઓ શિવસેના પ્રમુખ પદે રહ્યા અને બાળા સાહેબના અવસાન બાદ ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પક્ષ પ્રમુખ બન્યા પણ ૫૪ વર્ષમાં ઠાકરે પરિવારમાંથી કોઇએ પણ ચૂંટણી લડી નથી. ૮૦ ટકા સમાજ  કારણ અને ૨૦ ટકા રાજકારણ આ બાળા સાહેબ ઠાકરેનું સૂત્ર આદિત્ય ઠાકરેના જમાનામાં ૧૦૦ ટકા રાજકારણ બનતું હોવાનું કહેવાય છે. અને બદલાતા વાતાવરણમાં આજ સુધી ઠાકરે પરિવારમાં ચૂંટણી લડવી નહી એવી પરંપરા આદિત્ય ઠાકરે ખંડિત કરસે એવી ચર્ચા છે.

મેં ચૂંટણી લડવી કે નહીં એનો નિર્ણય ઉદ્ધવ ઠાકરે કરશે એવી સ્પષ્ટતા આદિત્ય ઠાકરેએ કર્યા બાદ પણ આજે સંજય રાઉતે આદિત્ય ચૂંટણી લડશે અને તેઓ મુખ્ય પ્રધાન બનશે એવો દાવો કર્યો છે. ૧૮ ફેબુ્રઆરી ૨૦૧૯ના દિવસે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરી અને અઢી અઢી વર્ષ મુખ્ય પ્રધાન પદ ભાજપ અને શિવસેના ભોગવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાણકારી મળે છે પણ આદિત્ય ઠાકરે પાંચ વર્ષ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે રહેશે એવું ઠોકીને કદી દીધું હોવાથી આ બન્ને પાર્ટીઓ વચ્ચે વિવાદની ચિંગારી પડી હોવાનું જાણવા મળે છે.

આદિત્ય ઠાકરે માટે વરલી, માહીમ અથવા શિવડી વિધાનસભા બેઠકમાંથી એકાદ બેઠક પસંદ કરાશે અને આદિત્ય માટે બેઠક છોડવાની તૈયારી વિદ્યમાન વિધાનસભ્યએ દાખવી હોવાનું કહેવાય છે. વરલીની બેઠક આદિત્ય માટે છોડવાની સુનિલ શિંદેએ તૈયારી દાખવી હોવાનું કહેવાય છે. બીજીવાર સાંસદ બનેલા રાહુલ શેવાળેએ આદિત્યના આવતીકાલના વર્ષ ગાંઠ નિમિત્તેના હોડિંગ ઉપર મુખ્ય પ્રધાન પદ માટે અત્યારે જ અવસર હોવાનું જાહેર કર્યું છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2F5mJpO
via Latest Gujarati News

Post a Comment

0 Comments