
(પીટીઆઇ) લખનઉ, તા. 23 જૂન, 2019, રવિવાર
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે પોતાના ભાઇ આનંદ કુમારને અને રાષ્ટ્રીય સંકલનકાર તરીકે પોતાના ભત્રીજા આકાશ આનંદને નિમ્યા હતા. તો રામજી ગૌતમને પણ નેશનલ કો ઓર્ડિનેટર બનાવ્યા હતા.
પાર્ટીના ટોચના નેતાઓની હાજરીમાં મળીલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. અમરોહાના સાંસદ કુંવર દાનિશ અલીને લોકસભામાં પક્ષના નેતા અને નગીનાના સાંસદ ગીરીશ ચંદ્રાને મુખ્ય દંડક બનાવ્યા હતા.
આનંદ કુમારના પુત્ર આકાશની બઢતીને પક્ષમાં તેમની વધતી જતી વગ તરીકે જોવામાં આવે છે.બસપાના તમામ કાર્યક્રમોમાં નિયમીત રીતે દેખાતા ૨૪ વર્ષિય આકાશને ૨૦૧૭માં માયાવતીએ પક્ષમાં પ્રવેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આકાશ લંડનથી એમબીએનો અભ્યાસ કરીને આવ્યો હોવાથી પક્ષનું સંચાલન એ જ કરશે.
નાના ભાઇ આનંદનો પુત્ર આકાશ મે ૨૦૧૭માં પહેલી વાર સહારાનપુરમાં પોતાની ફોઇ સાથે ગયેલો ત્યાર પછી સપ્ટેમ્બર ૨૦૧૭માં મેરઠની રેલીમાં એણે પોતાના પિતા અને ફોઇ સાથે સ્ટેજ પર બેઠક લીધી હતી.૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે સપા સાથે કરેલા ગઠબંધન પછી આકાશ વધુ સક્રિય બન્યો હતો અને માયાવતી માટે ટ્વિટર એકાઉન્ટ શરૃ કર્યું હતું. ચૂંટણીની સભાઓમાં તે હમેંશા ફોઇ સાથે દેખાતો હતો.
આચાર સંહિતાના કારણે ચૂંટણી પંચે માયાવતી પર ૪૮ કલાકનો પ્રતિંબધ લાદ્યા પછી તેણે અખિલેશ યાદવ સાથે મળી અનેક સભાઓ સંબોધી હતી, તો આગ્રામાં અજીત સિંહ સાથે એક મંચ પર દેખાયો હતો. હવે ઉત્તર પ્રદેશમાં ૧૨ પેટા ચૂંટણીઓ યોજાશે અને લોકસભામાં દસ બેઠકો જીત્યા પછી માયાવતી સંગઠનમાં અનેક ફેરફાર કરશે જેમાં આકાશની ભુમિકા ખૂબ જ મહત્ત્વની રહેશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ICHXNV
via Latest Gujarati News
0 Comments