
ચંદીગઢ, તા. 23 જૂન, 2019, રવિવાર
પંજાબની હાઇ સીક્યોરિટી વાળી નાભા જેલ હમેંશા સમાચારોમાં ચમકતી જ રહે છે. તાજેતરમાં જેલમાં બંધ એક કેદીની બે કેદીઓએ મળીને હત્યા કરી હતી. મરનાર મહેન્દ્ર સિંહ શીખ સમુદાયની ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં જેલમાં સજા કાપી રહ્યો હતો. પંજાબના બરગાડીમાં ઘાર્મિક અપમાનના મામલે ૪૯ વર્ષના સિંહને આ જેલમાં રાખવામાં આવ્યો હતો જ્યાં બે કેદીઓ સાથે તેનો ઝગડો થયો હતો.
સિંહની હત્યા પછી જેલમાં અફડાતફડી મચી ગઇ હતી.પરિણામે જેલમાં ફરજ બજાવતા ત્રણ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા. સસ્પેન્ડ થયેલાઓમાં સહાયક જેલ અધિકક્ષ અને બે જેલ વોર્ડનનો સમાવેશ થતો હતો. જેલ અધિકક્ષને પણ બરતરફ કરવાનો ઓર્ડર થયો હોવાનું જાણવા મળ્યું હતું.મુખ્ય મંત્રી અમરિન્દર સિંહે ઘટનાની તપાસનો આદેશ કર્યો હતો અને સાથે સાથે રાજ્યમાં શાંતિ જાળવી રાખવા પણ અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ફરીદકોટનો રહેવાસી મહેન્દ્ર સિંહ પંજાબના બરગાડીમાં ૨૦૧૫માં ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં મુખ્ય આરોપી હતો અને નાભાની જેલમાં એને બંધ કરાયો હતો. ડેરા સચ્ચા સૌદાના વડા બાબા રામ રહીમનો ખાસ સમર્થક અને તેમની ૪૫ સભ્યોની કારોબારી સમિતિનો મહત્ત્વનો સભ્ય હતો. હુમલા થયા પછી જેલ વહીવટી તંત્રે તેને હોસ્પિટલમાં ખસેડયો હતો જ્યાં તેનું મોત થયું હતું.
જો કે જેલમાં થયેલી આ કંઇ પહેલી ઘટના નથી. અગાઉ પણ બે વખત જેલની અંદર જ હત્યા કરાઇ હતી અને હત્યારાઓ સામે કાર્યવાહી કરાઇ હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LatRFh
via Latest Gujarati News
0 Comments