સરેરાશ કરતા 39 ટકા વરસાદ ઓછો પડયો, ભુગર્ભમાં પાણીનું સ્તર ઘટયું


ભુગર્ભમાં 80 ટકા જળાશયોમાં પાણીનું સ્તર સામાન્ય કરતા નીચે પહોંચી ગયું, 11માં પાણી સુકાઇ ગયું 

નવી દિલ્હી, તા. 23 જૂન, 2019, રવિવાર

દેશમાં જળ સંકટ વધી શકે છે કેમ કે ભૂગર્ભમાં જોઇએ તેટલુ પાણી નથી અને જે પાણી છે તે દિવસે ને દિવસે ઓછુ થઇ રહ્યું છે. સેન્ટ્રલ વોટર કમિશનના ડેટામાં જણાવવામા આવ્યું છે કે ભુગર્ભમાં ૯૧ મુખ્ય જળાશયો છે તેમાંથી ૮૦ ટકા એવા છે કે જેમાં પાણીનું સ્તર સામાન્ય કરતા પણ નીચે છે. 

જ્યારે ૧૧ એવા છે કે જ્યાં પાણી ૦ ટકા છે.  જેથી જળ સંકટ વધુ ઘેરુ બનતું જાય છે. જ્યારે બીજી તરફ ચોમાસાની શરૃઆત પણ નબળી રહી છે અને જોઇએ તેટલો વરસાદ નથી પડયો. સામાન્ય રીતે ચોમાસું પહેલી જુનથી શરૃ થાય છે અને ૩૦મી સપ્ટેમ્બર સુધી ચાલે છે. જોકે ચોમાસાની શરૃઆત થઇ ગઇ હોવા છતા ૨૨મી જૂન સુધીમાં ૩૯ ટકા વરસાદની ઘટ છે. 

ઓડિશા અને લક્ષદ્વીપમાં સામાન્ય વરસાદ રહ્યો છે, જમ્મુ કાશ્મીર અને પૂર્વ રાજસ્થાનમાં વધુ વરસાદ પડયો છે. જ્યારે અંદામાન નિકોબારમાં અતી વધુ વરસાદ નોંધાયો છે. ભારતના હવામાન વિભાગમાં ચાર ભાગો છે જેમાં પૂર્વ તેમજ ઉત્તરમાં પૂર્વોત્તરના રાજ્યો, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ આવે છે કે જ્યાં બહુ જ ઓછો વરસાદ છે.

મહારાષ્ટ્રના મરાઠાવાડા અને વિદર્ભમાં સૌથી ઓછો વરસાદ પડયો છે અને આ વિસ્તારોમાં જળાશયોનું સ્તર સાવ નીચલા સ્તરે પહોંચી ગયુ છે. ગુજરાત અને મધ્ય પ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશમાં પણ બહુ જ ઓછો વરસાદ પડયો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2N805Uj
via Latest Gujarati News

Post a Comment

0 Comments