RBI પાસેથી સરકારને રૂ. ત્રણ લાખ કરોડ મળે તેવી શક્યતા : નોમુરા


મુંબઈ, તા. 25 જૂન, 2019, મંગળવાર

બિમલ જાલન કમિટીનો રિપોર્ટ વિલંબમાં પડવાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું રૂ.3 લાખ કરોડનું વધારાનું ફંડ-નાણા સરકારને ટ્રાન્સફર થવાી શકયતા હોવાનું અને આ નાણાનો સરકાર તેના નિયમિત-રેગ્યુલર ખર્ચા માટે ઉપયોગ કરે એવી શકયતા હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. આ નાણા ત્રણ વર્ષમાં મળવાની અને એ નાણાંનો મોટાભાગે ઉપયોગ રેગ્યુલર સરકારી ખર્ચાની ચૂકવણી માટે થવાની શકયતા જાપાનીઝ બ્રોકિંગ જાયન્ટ નોમુરાએ એક રિપોર્ટમાં બતાવી છે.

ઉલ્લેખનીય છે કે એપ્રોપ્રિએટ ઈકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક ફોર આરબીઆઈ પર ગત ડિસેમ્બરમાં બિમલ જાલન કમિટીની રચના થઈ હતી અને આ કમિટીએ તેનો રિપોર્ટ રજૂ કરવા માટે ત્રીજું એક્સટેન્શન માંગ્યું છે, જે આગામી મહિને છે.

બજારની અપેક્ષા સૂચવે છે કે, આગામી વર્ષોમાં આ રૂ.3 લાખ કરોડની નાણાંની વહેંચણી થવાની શકયતા છે, અલબત આખરે ટ્રાન્સફર અપેક્ષાથી ઓછું થવાનું તેમનું માનવું હોવાનું બ્રોકિંગ હાઉસે જણાવ્યું છે. રિપોર્ટમાં વધુ જણાવાયું છે કે, નાણાનો ઉપયોગ માટેની 45 ટકા શકયતા સરકારને રેગ્યુલર ખર્ચા માટે અને માત્ર 20 ટકા શકયતા બેંકોના રિકેપિટલાઈઝેશન માટે ઉપયોગની છે.

બેંકો જંગી ડૂબત લોનોના પરિણામે હાલત કફોડી થયેલી હોઈ જાહેર ક્ષેત્રની બેંકોની પણ મૂડીની મોટી આવશ્યકતા હોવાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે પડેલી વધારાની મૂડીનો ઉપયોગ બેંકના મૂડીકરણ માટે પણ થઈ શકે છે. આ સાથે નોમુરા એક શકયતા એ મૂકે છે કે 25 ટકા શકયતા નાણાનો ઉપયોગ જાહેર દેવું ચૂકતે કરવા માટે 10 ટકા શકયતા કોઈપણ નાણા ટ્રાન્સફર નહીં થવાની મૂકે છે.

બિમલ જાલન કમિટીના અન્ય મેમ્બરોમાં રાકેશ મોહન, ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર વાઈસ ચેરમેન તરીકે, નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ, ડેપ્યુટી ગવર્નર એનએસ વિશ્વનાથન અને બે આરબીઆઈ બોર્ડ મેમ્બરો ભરત દોશી અને સુધીર માંકડનો સમાવેશ છે.

 આ પેનલને વિશ્વભરની સેન્ટ્રલ બેંકો દ્વારા અપનાવાતી શ્રેષ્ઠ પ્રણાલીની સમીક્ષા કરવાનું અને આકલન કરીને જોખમો માટે જોગવાઈઓ વિશે ભલામણ કરવાની કામગીરી સોંપવામાં આવી છે.

સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે જ્યારે ગવર્નર તરીકે ઉર્જિત પટેલ હતા, ત્યારે રિઝર્વ બેંક પાસે પડેલી સરપ્લસ મૂડીના સરકારને ટ્રાન્સફર કરવા મામલે વિવાદ સર્જાયો હતો અને ત્યાર બાદ નવા ગવર્નર શક્તિકાંતા દાસ દ્વારા પ્રથમ મોટો નિર્ણય લેવાયો હતો. નાણા મંત્રાલયેનો મત એવો હતો કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાળવવામાં આવતી કુલ અસ્કયામતોના 28 ટકા બફર તરીકે રાખવી એ વૈશ્વિક 14 ટકા જેટલી જાળવવાના ધોરણથી ઘણી વધુ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X9HoEj
via Latest Gujarati News

Post a Comment

0 Comments