
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 30 જૂન, 2019, રવિવાર
મોટે ભાગે ગૂગલ પોતાની વિશ્વસનીય અને સાચી માહિતી આપવાની લાક્ષણિકતાને કારણે જાણીતું છે પરંતુ અમેરિકામાં ગૂગલ મેપનો ઉપયોગ કરનારા ૧૦૦ જેટલા વાહન ચાલકો બહુ ખરાબ રીતે કીચડમાં ફસાઈ ગયા હતા.
અમેરિકાના કોલોરાડો રાજ્યમાં આવેલા ડેનવર આંતરરાષ્ટ્રીય વિમાની મથક સુધી પહોંચવાના રસ્તામાં રોડ અકસ્માતને કારણે જામ લાગી ગયો હતો.
આ સંજોગોમાં ત્યાં પહોંચવા માટે રસ્તો જાણવા આશરે ૧૦૦ જેટલા કાર ચાલકોએ ગૂગલ મેપનો ઉપયોગ કર્યો હતો અને કીચડમાં ફસાવાને કારણે તેમના માટે પાછું વળવું પણ અશક્ય બની ગયું હતું. અકસ્માતને કારણે એરપોર્ટ જવા ૪૩ મિનિટનો સમય લાગી શકે તેમ હતો તેથી વાહન ચાલકોએ ગૂગલ મેપને વૈકલ્પિક રસ્તો દેખાડવા સૂચના આપી હતી.
એક બાદ એક વાહન ચાલકો તે રસ્તે આગળ વધ્યા હતા અને કીચડમાં ફસાવાને કારણે ત્યાંથી આગળ પણ નહોતા વધી શક્યા કે પાછા પણ નહોતા ફરી શક્યા. ગૂગલ મેપ દ્વારા વૈકલ્પિક રસ્તા વડે માત્ર ૨૩ મિનિટમાં જ અંતર કાપી શકાશે તેવું દર્શાવવામાં આવ્યું હોવાને કારણે વાહન ચાલકોએ તે રસ્તાનો ઉપયોગ કર્યો હતો પરંતુ બહુ ખરાબ રીતે ફસાઈ ગયા હતા જેથી તેમણે ગૂગલને ફરિયાદ કરી હતી.
વાહન ચાલકોની ફરિયાદને ધ્યાનમાં રાખીને ગૂગલ દ્વારા તેનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. ગૂગલના કહેવા પ્રમાણે તેઓ રસ્તો ચિહ્નિત કરતી વખતે તેનો આકાર, સફાઈ વગેરે અનેક બાબતો ધ્યાનમાં લે છે. તેઓ હંમેશા સર્વશ્રેષ્ઠ રસ્તો દેખાડવા પ્રયાસ કરે છે પરંતુ હવામાન જેવી અણધારી પરિસ્થિતિઓને કારણે આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. તે વિસ્તારમાં વરસાદને કારણે અચાનક કીચડ ફેલાવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JhYzJP
via Latest Gujarati News
0 Comments