અફઘાનિસ્તાનમાં તાલિબાની હુમલો, આઠ ચૂંટણી અધિકારી સહિત 19નાં મોત


(પીટીઆઈ) કાંધાર, તા. 30 જૂન, 2019, રવિવાર

દક્ષિણી અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ કરેલા આતંકી હુમલામાં  આઠ ચૂંટણી અધિકારીઓ સહિત ૧૯ લોકોનાં મોત થયા છે. ચૂંટણી પંચના સ્વતંત્ર પ્રવક્તા ઝેબીઉલ્લાહ સદાતે આપેલી માહિતી પ્રમાણે તાલિબાનીઓએ દક્ષિણ કાંધારના મારુફ જિલ્લામાં આવેલા કેન્દ્ર પર હુમલો કરવા માટે વિસ્ફોટકોથી ભરેલા વાહનોનો ઉપયોગ કર્યો હતો.

હુમલામાં સરકારી કાર્યાલયમાં મતદારોની નોંધણીનું કામ કરતા આઠ ચૂંટણી અધિકારીઓના મોત થયા હતા. કાંધાર પોલીસના પ્રવક્તા કાસિમ અફઘાને જણાવ્યું કે, આ હુમલામાં સુરક્ષા દળના ૧૧ અધિકારીઓ પણ મૃત્યુ પામ્યા હતા અને જિલ્લાનો કેન્દ્ર સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

તાલિબાનીઓ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. બીજી બાજુ યુએસ દ્વારા તાલિબાનીઓ સાથે શાંતિમંત્રણા માટેની વાટાઘાટો કરવામાં આવ્યા બાદ બે વખત પાછી ઠેલાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આખરે ૨૮ સપ્ટેમ્બરના રોજ નિર્ધારીત કરવામાં આવી છે. 

અમેરિકાના સૌથી લાંબા યુદ્ધને સમાપ્ત કરવાના હેતુથી શનિવારે દોહા ખાતે વોશિંગ્ટન અને તાલિબાન વચ્ચે નવેસરથી વાટાઘાટ યોજવામાં આવી હતી. શનિવારે ઉત્તરી અફઘાનિસ્તાનમાં થયેલા આતંકી હુમલામાં પણ તાલિબાનોએ ૨૫ જેટલા સરકાર તરફી લશ્કરી યોદ્ધાઓની હત્યા કરી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XnRhOU
via Latest Gujarati News

Post a Comment

0 Comments