ઇરાનમાં સીઆઇએના 17 જાસૂસ પક્ડાયા, કેટલાકને ફાંસીની સજા અપાઇ : અહેવાલ


માર્ચ, 2019માં સીઆઇએના જાસૂસોની ધરપકડ કરવામાં આવી હતી : સૂત્રો 

તહેરાન, તા.22 જુલાઇ, 2019, મંગળવાર

ઇરાનમાં અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઇએના 17 જાસૂસ પકડાયા છે અને તેમના પૈકી કેટલાકને ફાંસી આપી દેવામાં આવી છે તેમ ઇરાનના મીડિયાએ દાવો કર્યો છે. ઇરાનના સરકારી ન્યૂઝ ચેનલે ગુપ્તચર મંત્રાલયના સંદર્ભથી જણાવ્યું છે કે સીઆઇએના ગુપ્તચર તંત્રને તોડી 17 જાસૂસો પકડવામાં આવ્યા છે.

મંત્રાલયના એક અધિકારીએ જે જાસૂસ પકડવામાં આવ્યા છે તેમના પૈકી કેટલાકને ફાંસી આપી દેવામાં આવી છે. પકડાયેલા જાસૂસ સંવેદનશીલ, ખાનગી આર્થિક કેન્દ્રો, સેના અને સાઇબર ક્ષેત્રમાં નોકરી કરી રહ્યાં હતાં અને ત્યાંથી મહત્ત્વપૂર્ણ માહિતી એકત્ર કરી સીઆઇએને આપતા હતાં. 

અમેરિકાની તરફથી મે મહિનામાં નાખવામાં આવેલા કડક પ્રતિબંધ પછી બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઇ છે ત્યારે ઇરાનના તરફથી કરવામાં આવેલો આ દાવો સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે.

4 જુલાઇએ બ્રિટને ઇરાનનું એક ટેન્કર જપ્ત કર્યુ હતું. તેના જવાબમાં ઇરાને ગત સપ્તાહમાં બ્રિટનનું જહાજ કબજે કરી લીધું હતું. જેના કારણે ઇરાન અને પશ્ચિમી દેશો વચ્ચે તંગદિલી વધી ગઇ હતી.

ઇરાનના મીડિયાએ આ જાસૂસોની સીઆઇએ અધિકારીઓ સાથેના ફોટા પણ જાહેર કર્યા છે. ઇરાનના આ દાવા અંગે અમેરિકા કે સીઆઇએના કોઇ અધિકારી દ્વારા કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી. 

ઇરાને જૂન મહિનામાં જ સીઆઇએના એક સર્કલ અંગે ખુલાસો કર્યો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ઇરાન દ્વારા આજે કરવામાં આવેલો દાવો તેની સાથે સંબધિત છે કે નહીં. ઇરાનના મીડિયા અનુસાર માર્ચ, 2019માં આ જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. 

સીઆઇએના જાસૂસો પકડવાનો ઇરાનનો દાવો ખોટો : ટ્રમ્પ 

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા.22 જુલાઇ, 2019, મંગળવાર

અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઇએના 17 જાસૂસો પકડીને તેમના પૈકી કેટલાકને ફાંસી આપી હોવાના ઇરાનના દાવાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવી દીધા છે. 

ટ્રમ્પે ટ્વિટર પર જણાવ્યું છે કે ઇરાને સીઆઇએના જાસૂસોને પકડયા હોવાનો અહેવાલ તદ્દન ખોટો છે. આ અહેવાલ એક ટકા પણ સાચો નથી.

ટ્રમ્પે વધુમાં જણાવ્યું છે કેે અમેરિકાએ મૂકેલા પ્રતિબંધને કારણે ઇરાનનું અર્થતંત્ર મૃતપાય અવસ્થામાં આવી ગયું છે. ભવિષ્યમાં ઇરાનની સ્થિતિ વધુ ખરાબ થશે. આ સ્થિતિને કારણે ઇરાનને શું કરવું તે ખબર પડી રહી નથી. 

જો કે સીઆઇએ દ્વારા આ અંગે કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી. સામાન્ય રીતે સીઆઇએ પોતાના જાસૂસ પક્ડાયા હોવાના અહેવાલ અંગે કોઇ ટિપ્પણી કરતું નથી. આ સંદર્ભમાં ટ્રમ્પની ટિપ્પણીને અસામાન્ય ગણવામાં આવી રહી છે અને ગુપ્તચર સમુદાય તરફથી તેમની ટીકા પણ કરવામાં આવી રહી છે. 

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું છે કે આવા દાવા અંગે અમેરિકન સરકાર કોઇ દાવો કરતી નથી તેની પાછળના ઘણા કારણો છે. ટ્રમ્પની ટિપ્પણી પછી જો હવે ભવિષ્યમાં સરકાર દ્વારા આવા દાવાનો જવાબ આપવામાં નહીં આવે તો એવું માની લેવામાં આવશે કે આ દાવો સાચો છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30IZAls
via Latest Gujarati News

Post a Comment

0 Comments