ટોઇલેટ અને ગટરની સફાઇના વિવાદાસ્પદ નિવેદન બદલ ભાજપે પ્રજ્ઞા ઠાકુરને ખખડાવી


નિવેદનો આપતા પહેલાં ધ્યાન રાખવાનું જણાવ્યું

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.22 જુલાઇ, 2019, મંગળવાર

ભોપાલની બેઠકના ભાજપનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુર તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં રહે છે. તેમણે વધુ એક વખત ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. ટોઈલેટ અને ગટર સાફ કરવા સાંસદ નથી બની એવું નિવેદન કરીને તેમણે વિવાદ ખડો કર્યો છે.

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો આપીને ચર્ચા જગાવે છે. સરકારના મહાત્વાકાંક્ષી સ્વચ્છતા અભિયાન બાબતે પ્રજ્ઞા ઠાકુરે નિવેદન આપ્યું છે એટલે ફરીથી વિવાદ સર્જાયો છે.

મધ્યપ્રદેશમાં પાર્ટી કાર્યકરોને સંબોધતી વખતે સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે અમે અહીં તમારા ટોઈલેટ અને ગટર સાફ કરવા સાંસદ નથી બન્યાં. એ વાતને બરાબર ધ્યાનથી સમજજો. જે કાર્ય માટે અમારી પંસદગી થઈ છે એ કાર્ય અમે ઈમાનદારીથી કરીશું. ક્લિનિંગ કરવા માટે સાંસદ નથી બની એ વાત તમે સમજી ગયા?

તેમના એ નિવેદન પછી ભાજપમાં જ વિરોધ ઉઠયો હતો. કાર્યકરોએ વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનની આવી ટીકા કરવા બદલ સાધ્વીની આકરી ટીકા કરી હતી. એક તરફ ભાજપ સરકાર સ્વચ્છતા અભિયાનને પૂરજોશમાં ચલાવી રહી છે અને સાંસદોને પણ સ્વચ્છતા અભિયાનમાં ભાગીદાર બનવાનું કહે છે ત્યારે એક સાંસદના જ આવા નિવેદનથી કાર્યકરો ઉપર પણ તેની અસર પડશે એવો મત વ્યક્ત થયો હતો.

વિવાદ પછી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ સાધ્વીને નોટિસ પાઠવીને ઠપકો આપ્યો હતો. આવા નિવેદન બાબતે ખુલાસો માગીને ભાજપના હેડક્વાર્ટરમાંથી તેમને બીજી વખત આવું નિવેદન ન કરવા જણાવ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M4VVu1
via Latest Gujarati News

Post a Comment

0 Comments