નવી દિલ્હી, તા.14 જુલાઈ 2019, રવિવાર
ભારતના ચંદ્રયાન-2ના લોન્ચિંગનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. આજે મધરાત બાદ એટલે કે 2-51 કલાકે ચંદ્રયાનને લોન્ચ કરાશે.
લોન્ચિંગના 52 દિવસ બાદ ચંદ્રયાન ચંદ્ર પર પહોંચશે. આ વખતે ચંદ્રયાન લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનને લઈને ચંદ્ર પર જઈ રહ્યુ છે. ઈસરોના આ અત્યંત મહત્વકાંક્ષી મિશન પર દુનિયાના સેંકડો દેશોની નજર છે. જાણી લો લોન્ચિંગ બાદ ચંદ્ર પર લેન્ડિંગ સુધીના તમામ તબક્કા વિશે.
ચંદ્રયાનનુ લોન્ચિંગ ભારતના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી રોકેટ જીએસએલવી એમકે -3 થકી કરવામાં આવશે. લોન્ચિગં બાદ 16 દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા બાદ તે ચંદ્ર તરફ આગળ વધશે. તે સમયે ચંદ્રયાનની મહત્તમ ગતિ પ્રતિ સેકન્ડ 10 કિમી અને ઓછામાં ઓછી ઝડપ પ્રતિ કલાક 3 કિલોમીટર હશે.
16 દિવસ બાદ ચંદ્રયાન રોકેટથી અલગ થઈ જશે અને પોતાના દમ પર પાંચ દિવસમાં ચંદ્રયાન ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી જશે. તે સમયે તેની ઝડપ 10 કિમી પ્રતિ સેકંડ હશે.
એ પછીના 27 દિવસ સુધી ચંદ્રની ચારે તરફ ચંદ્રયાન ચક્કર લગાવતુ રહેશે. આ દરમિયાન તે ચંદ્રની સપાટીની નજીક પહોંચશે. તે વખતે તેની ઝડપ પ્રતિ સેકન્ડ 1 કિમીથી લઈને 10 કિમી સુધી રહેશે.
ચંદ્રયાન દક્ષિણ ધ્રુવની સપાટી પર ઉતરશે. જોકે આ માટે તેને ચાર દિવસ લાગશે. સપાટી પર નજર આવતાની સાથે જ ચંદ્રયાનની અંદર રહેલુ લેન્ડર વિક્રમ લેન્ડિંગ માટેની તૈયારીઓ કરશે. જે આખરે ચંદ્રની સપાટી પર ઉતરશે. લેન્ડિંગ બાદ વિક્રમની અંદર રહેલુ રોવર પ્રજ્ઞાન રિલિઝ થશે. રોવરને બહાર આવવામાં લગભગ 4 કલાક લાગશે.
એ પછી રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટીનો તાગ મેળવવા માટે નિકળી જશે. રોવર પોતાની કામગીરી શરુ કરશે તેની પંદર જ મિનિટમાં ઈસરોને ચંદ્રની તસવીરો મળવાની શરૂ થઈ જશે.
સપાટી પર ફરવાનુ શરૂ કર્યા બાદ રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ 14 દિવસ સુધી એક્ટિવ રહેશે. આ દરમિયાન રોવર ચંદ્રની સપાટી પર પ્રતિ સેકન્ડ એક સેન્ટિમિટરની ઝડપતી ચંદ્ર પર ચાલશે. ત્યાં તે કુલ 500 મીટરની સપાટી કવર કરશે.
બીજી તરફ ચંદ્રયાન ચંદ્રની ભ્રમણકક્ષામાં 100 કિમીની ઉંચાઈ પર ચંદ્રની પરિક્રમા કરતુ રહેશે. જે લગભગ એક વર્ષ સુધી ચાલશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2jPNaZ1
via Latest Gujarati News
0 Comments