અમેરિકા સામેની ટ્રેડ વોર ભારે પડી ચીનનો જીડીપી 27 વર્ષના તળિયે


2009ની મંદી દરમિયાન પણ ચીનનો જીડીપી 6.4 ટકાથી નીચે ગયો ન હતો 

2018માં ચીનનો જીડીપી 6.6 ટકા રહ્યો હતો : ચાલુ વર્ષના પ્રથમ છ માસમાં શહેરી વિસ્તારમાં 77.3 લાખ નોકરીઓનું સર્જન 

(પીટીઆઇ) બેઇજિંગ, તા. 15 જુલાઇ, 2019, સોમવાર

ચાલુ વર્ષના બીજા કવાર્ટરમાં ચીનનો આર્થિક વિકાસ ઘટીને ૬.૨ ટકા થયો છે. જે છેલ્લા ૨૭ વર્ષનો સૌથી ઓછો વિકાસ દર છે. અમેરિકા સાથેના વેપાર યુદ્ધ અને વૈશ્વિક માગ ઘટવાને કારણે વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્રનો આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડી રહી છે.  ચીનની સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં ચીનનો જીડીપી ૬.૪ ટકા હતો. 

ઉલ્લેખનીય છે કે ૨૦૦૯ની મંદી દરમિયાન પણ ચીનનો જીડીપી ૬.૪ ટકાની નીચે ગયો ન હતો.  ચીનના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ(એનબીસી)ના જણાવ્યા અનુસાર બીજા કવાર્ટરનો ૬.૨ ટકાનો જીડીપી સરકારના ૬ થી ૬.૫ ટકાના લક્ષ્યાંક જેટલુ જ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં ચીનનો જીડીપી ૬.૬ ટકા રહ્યો હતો. 

જીડીપીમાં ૫૪.૯ ટકા ભારાંક ધરાવતા સર્વિસ સેક્ટરમાં ચાલુ વર્ષના પ્રથમ છ માસમાં સાત ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જૂન મહિનામાં ચીનની આયાતમાં ૭.૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

એનબીસીના પ્રવક્તા માઓ શેંગયોગે જણાવ્યું છે કે ઘરેલુ અને વિદેશી મોરચા પર અર્થતંત્રની સ્થિતિ હજુ પણ ગંભીર બનેલી છે. વૈશ્વિક અર્થતંત્રમાં નબળાઇ જોવા મળી રહી છે અને બાહ્ય અસ્થિરતા અને અનિશ્ચિતતા વધી રહી છે. 

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અમેરિકા સાથેના ટ્રેડ વોર અને અને વૈશ્વિક સ્તરે માગ ઘટવાને કારણે ચીનના વિકાસ દરમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ વર્ષના પ્રથમ છ માસમાં શહેરી વિસ્તારમાં ૭૭.૩ લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું છે. જે સમગ્ર વર્ષના વાર્ષિક લક્ષ્યાંકના ૬૭ ટકા થાય છે.

ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ઓનલાઇન વેચાણમાં ૧૭.૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. પ્રથમ છ મહિનામાં ઓનલાઇન વેચાણ વધીને ૪.૮૨ ટ્રિલિયન યુઆન થયું હતું. જૂનમાં ગ્રામીણ વિસ્તારોમાં રિટેલ વેચાણમાં ૯.૮ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 

એશિયન શેરબજારો શરૂઆતમાં ઘટયા પછી રિકવર થયા 

ચીનના જીડીપી આંકડાને કારણે શરૂઆતના કલાકોમાં એશિયાના શેર બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ત્યારબાદ થોડે ઘણે અંશે રિકવરી જોવા મળી હતી. જો કે ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની આશાએ બજારમાં ખરીદી જોવા મળતા શરૂઆતના કલાકોમાં જોવા મળેલા ઘટાડામાં રિકવરી જોવા મળી હતી. શાંઘાઇ શેરબજાર દિવસના અંતે ૦.૪ ટકાના વધારા સાથે બંધ રહ્યું હતું. સિંગાપોરના બજારમાં આજે કોઇ મોટી વધ ઘટ જોવા મળી ન હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Sg1C9I
via Latest Gujarati News

Post a Comment

0 Comments