ચંદ્રયાન-2: ખામીને કારણે અંતિમ ક્ષણે લોન્ચિંગ રદ કરી ઇસરોએ મોટું નુકસાન અટકાવ્યું


ટૂંક સમયમાં ટેક્નિકલ ખામી દૂર કરી ચંદ્રયાન-૨ને જુલાઇમાં જ લોન્ચ કરવાની નવી તારીખ જાહેર કરાશે

નવી દિલ્હી, તા. 15 જુલાઇ, 2019, સોમવાર

સોમવારે મોડી રાત્રે ચંદ્રયાન-૨ લોંચ થવાનું જ હતું કે અચાનક તેને રોકી લેવામાં આવ્યું છે. ઇસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-૨ના બરાબર લોન્ચિંગ સમયે જ ટેક્નીકલ ખામીને શોધી કાઢી હતી. તેથી બાદમાં સમગ્ર કાર્યક્રમને હાલ પુરતો રદ કરી દેવામાં આવ્યો છે.

આ લોન્ચિંગને જોવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સ્કૂલના બાળકો, અન્ય મહેમાનો પણ આવી ગયા હતા. જોકે અંતીમ સમયે જ લોન્ચિંગ રોકવામાં આવ્યું હતું તેથી બાદમાં રાષ્ટ્રપતિ પાછા દિલ્હી આવી ગયા હતા. 

બીજી તરફ ઇસરો દ્વારા હાલ લોન્ચિંગ રોકવામા આવ્યું તેના પણ વખાણ થઇ રહ્યા છે, કેમ કે જે ટેક્નીકલ ખામી સામે આવી તેના પર કોઇનું પણ ધ્યાન ન ગયું હોત તો પરીક્ષણ સમયે જ વિસ્ફોટ થઇ જાત અને એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાત. સાથે ઇસરોની કામગીરી પર પણ સવાલો ઉભા થાત.

પણ વૈજ્ઞાનિકોએ સાવચેતી રાખી અને સંપૂર્ણ તપાસ કરતા લોન્ચિંગ થવાનું હતું ત્યારે અંતીમ ક્ષણે જ ખામી શોધી કાઢી હતી. પરીણામે સમગ્ર કાર્યક્રમને હાલ રદ કરી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વૈજ્ઞાનિકોના વખાણ થઇ રહ્યા છે કેમ કે જો આ ખામી ન શોધી હોત તો પરીક્ષણ નિષ્ફળ જાત. 

ઇસરોએ જણાવ્યું હતું કે લોકોને પરેશાની થઇ તે બદલ માફી માગીએ છીએ, હાલ પુરતા જ આ પરીક્ષણને રોકવામાં આવ્યું છે, જે ટેક્નીકલ ખામી સામે આવી છે તેને દુર કરવામાં આવશે તે બાદ ફરી લોેંન્ચિંગ માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે. ચંદ્રયાન-૨ને મોકલવા માટેનું જે બાહુબલી નામનું વાહન છે તેમાં જ ખામી સામે આવી હતી.

નોંધનીય છે કે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (એસડીએસસી) પરથી મોડી રાત્રે ૨.૫૧ કલાકે છોડવાનું હતું પણ અંતીમ ક્ષણે જ રદ કરી દેવાયું. આ ચંદ્રયાન-૨ના મિશન પાછળ આશરે ૯૭૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, અને તેને ચંદ્ર પર પહોંચવામાં આશરે ૫૪ દિવસનો સમય લાગશે. 

ચંદ્રયાન-૨ ચંદ્ર પર એવા સ્થળે જવાનું છે કે જ્યાં આજદિન સુધી કોઇ પણ દેશનું યાન નથી પહોંચી શક્યું જે પણ એક પ્રકારનો ઇતિહાસ જ ગણાશે. પરીક્ષણની સાથે તેનું લેન્ડિંગ પણ એટલુ જ જોખમી છે, જે અંતીમ ૧૫ મિનિટ હોય છે તેમાં જ સૌથી વધુ ખતરો હોય છે જો તેમાંથી બહાર આવી ગયા તો આ મિશન સફળ થઇ જશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2jVMYrv
via Latest Gujarati News

Post a Comment

0 Comments