
નવી દિલ્હી, તા. 15 જુલાઇ, 2019, સોમવાર
ઉત્તર પ્રદેશના બેરિયા બેઠકના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ વિવાદાસ્પદ નિવેદનો માટે પંકાયેલા છે. સુરેન્દ્ર સિંહે મુસ્લિમોના બહુપત્નીત્વ અંગે નિવેદન આપીને વધુ એક વખત વિવાદ નોતર્યો છે. સુરેન્દ્ર સિંહના નિવેદનની લોકોએ આકરી ટીકા કરી હતી.
સુરેન્દ્ર સિંહ ઉત્તર પ્રદેશના બેરિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે અને તેના વિવિધ નિવેદનોથી વારંવાર વિવાદ જાગે છે. ભાજપના આ ધારાસભ્યએ વધુ એક વખત વિવાદને જન્મ આપ્યો છે.
એક સવાલનો જવાબ આપતા સુરેન્દ્ર સિંહે કહ્યું હતું કે મુસ્લિમોમાં બહુપત્નીત્વની પરંપરા છે. ૫૦ પત્ની રાખીને ૧૦૫૦ બાળકો પેદા કરવા તે ખરેખર તો કોઈ પરંપરા નથી, પરંતુ પાશવી કૃત્ય છે.
તેના આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં પણ ભારે તીવ્ર પ્રતિક્રિયા આવી હતી. લોકોએ આ ટીપ્પણી બદલ સુરેન્દ્રની માફીની માગણી કરી હતી. મુસ્લિમ સમાજના યુપીના નેતાઓએ પણ આ ટીપ્પણીને વખોડી કાઢીને કહ્યું હતું કે સુરેન્દ્ર સિંહની ટીપ્પણી અર્ધસત્ય છે.
સુરેન્દ્રએ તો ભાજપના જ અન્ય ધારાસભ્ય રાજેશ મિશ્રાની દીકરી સાક્ષી મિશ્રાના ચર્ચાસ્પદ બનેલા લગ્ન અંગે પણ ટીપ્પણી આપી હતી. સુરેન્દ્ર સિંહે કહ્યું હતું કે સાક્ષીએ દલીત યુવાન સાથે લગ્ન કર્યા તે બાબતે પછતાવો કરવો પડશે.
કારણ કે એ યુવાને અગાઉ પણ બે વખત લગ્ન કર્યા હતા. આ નિવેદન બાબતે પણ પ્રદેશના ભાજપના અમુક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. સુરેન્દ્ર સિંહ સતત વિવાદાસ્પદ નિવેદનો આપતા રહે છે.
અગાઉ માયાવતી બાબતે અપમાનજનક ટીપ્પણી આપીને વિવાદ નોતર્યો હતો. એ પહેલાં મુસ્લિમ સમાજ બાબતે કોમવાદી નિવેદન આપીને વિવાદ ખડો કર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2luSzVX
via Latest Gujarati News
0 Comments