સરોગસીનો કમર્શિયલ ઉપયોગ નહીં થઇ શકે સરકારે લોકસભામાં સુધારા બિલ રજુ કર્યું


પરણિત અને સંતાન વગરના યુગલને જ અનુમતી મળશે

નવી દિલ્હી, તા. 15 જુલાઇ, 2019, સોમવાર

૨૦૧૬માં સરકારે સરોગસી માટે વધુ ઉપયોગી અને કડક કાયદાનો અમલ કર્યો હતો, હવે તેમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. મોટા ભાગે સરોગસીનો વ્યાપાર માટે જ ઉપયોગ થતો હોય છે અને આવુ ન થાય તે માટે સરકારે કાયદામાં સુધારા કરતું એક બિલ તૈયાર કર્યું છે જેને લોકસભામાં સરકાર લાવી છે.

આ બિલને લોકસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન હર્ષવર્ધને રજુ કર્યું હતું. આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ બિલને મંજૂરી મળી હતી. આ બિલનો મુખ્ય હેતું એ છે કે સરોગસીનો વ્યાવસાયિક ઉપયોગ ન થતો જોઇએ. 

૨૦૧૬માં જ મોદી સરકાર સરોગસી કાયદામાં સુધારા કરતું બિલ લાવી હતી, હવે તેમાં કેટલાક સુધારા કરીને તેને ફરી આ વર્ષે રજુ કર્યું છે જેને સરોગસી રેગ્યૂલેશન બિલ નામ આપવામાં આવ્યું છે. 

હાલમાં અનેક દેશો માટે ભારત સરોગસીનો હબ બનતો જાય છે, અહીં અનેક દેશોના યુગલો સરોગસીથી જન્મતા બાળક માટે આવે છે. આ પહેલા એક આયોગે પોતાની ૨૨૮મી રિપોર્ટમાં કમર્શિયલ સરોગસી પર પ્રતિબંધ મુકવાની ભલામણ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકારે હવે આ નિર્ણય લીધો છે. 

સરોગસીનો લાભ માત્ર એવા યુગલને જ મળશે કે જે પરણિત હોય, સાથે તેઓને કોઇ પણ બાળક ન હોવું જોઇએ. સાથે જે મહિલા સરોગસી દ્વારા બાળકને જન્મ આપવા જનારી હોય તેની સંપૂર્ણ દેખરેખની જવાબદારી લાભાર્થીની રહેશે.

સાથે આર્થિક રીતે નબળી મહિલાઓનો દુરૂપયોગ ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે કેમ કે દુરૂપયોગને કારણે મહિલાઓના સ્વાસ્થ્ય પર માઠી અસર પહોંચે છે. આ ઉપરાંત બિલમાં રાષ્ટ્રીયથી લઇને પ્રદેશસ્તર સુધી સરોગસી બોર્ડ બનાવવામાં આવશે તેમ પણ કહેવામાં આવ્યું છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GeLTTl
via Latest Gujarati News

Post a Comment

0 Comments