કર્ણાટકમાં છેલ્લા 35 વર્ષથી કેન્દ્રમાં હોય તે પક્ષની સરકાર બની નથી


કર્ણાટકમાં લાંબા રાજકિય ડ્રામાના અંતે વિધાનસભામાં અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન બહુમતી ગુમાવતા એચ ડી કુમારસ્વામીએ સરકાર ગુમાવી છે.14 મહિના પહેલા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને સ્થાનિક પક્ષ જેડીએસે ગઢબંધન સરકાર બનાવીને વિધાનસભામાં સૌથી મોટા પક્ષ ભાજપને સત્તાથી દૂર રાખ્યો હતો. 80 જેટલી બેઠકો છતાં કોંગ્રેસે 38 બેઠકો ધરાવતા જેડીએસ પક્ષના કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવ્યા પરંતુ સમયાંતરે પક્ષમાં અસંતોષ જેવા મળતો હતો. ગઢબંધન સરકારનો પેચ જામતો ન હતો પરંતુ લોકસભા ચૂંટણી સુધી બંનેની મજબૂરી પણ હતી.

લોકસભા ચૂંટણી પછી ભાજપે પણ અસંતોષી શંભૂમેળામાં રસ લેતા પરીસ્થિતિ બગડી હતી. કોગ્રેસ અને જનતાદળ સેક્યૂલર પક્ષના ૧૩ ધારાસભ્યોએ રાજીનામુ આપતા મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી સરકાર ઓકસીજન પર આવી ગઇ હતી. કાનૂની દાવપેચના અંતે વિધાનસભામાં અવિશ્વાસની દરખાસ્ત પર મેરેથોન ચર્ચાના અંતે કુમારસ્વામીએ 99 વિરુધ 105 મતથી મુખ્યમંત્રી પદ છોડવું પડયું હતું.

જો કે  છેલ્લા ૩૫ વર્ષથી  કર્ણાટક રાજયની ખાસિયત રહી છે કે કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય તે પક્ષની સરકાર રાજયમાં બનતી નથી અને બને તો ટકતી નથી. આ પરંપરા ૧૯૮૩માં જનતાદળના રામકૃષ્ણ હેગડેએ બીન કોંગ્રેસી સરકાર રચીને શરુ કરી હતી. ભાજપે એ સમયે કર્ણાટક વિધાનસભામાં પ્રથમ વાર ૧૮ બેઠકો મેળવી હતી. 

૧૯૮૯માં વીપી સિંહના વડપણ હેઠળ કેન્દ્રમાં જનતાદળ સરકારનું રાજ આવ્યું ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસનું શાસન શરુ થયું હતું.  કોંગ્રેસને ૧૭૮ બેઠકો સાથે પ્રચંડ બહુમતી મળી જયારે કેન્દ્રમાં સામેલ જનતાદળને માત્ર બે બેઠકો મળી હતી. ૧૯૯૧થી ૧૯૯૪ની વિધાનસભા ચૂંટણીમાં જનતાદળે કમબેક કરીને ૧૨૧ બેઠકો મેળવી હતી ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસ અને લેફટની સરકાર હતી. ૧૯૯૯માં ભાજપના અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએ સરકાર રચાઇ ત્યારે કર્ણાટકમાં ૧૩૨ બેઠકો સાથે કોંગ્રેસનું રાજ હતું. ૨૦૦૪માં કોંગ્રેસ અને જેડીએસ સાથે મળીને સરકાર બનાવી પરંતુ ૨૦૦૬માં ગઢબંધન તૂટી પડતા જેડીએસ અને બીજેપીની સરકાર બની હતી.

એ સમયે કેન્દ્રમાં મનમોહનસિંહના નેતૃત્વમાં યુપીએ સરકાર સત્તામાં હતી. ૨૦૦૯માં કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે ભાજપને કર્ણાટકમાં ૧૧૦ બેઠકો સાથે બહુમતી મળતા યેદિયૂરપ્પા મુખ્યમંત્રી બન્યા હતા. ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી અને સિધારામૈયા મુખ્યમંત્રી બન્યા તેના બીજા જ વર્ષે મે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રમાં સરકાર બદલાઇ ગઇ હતી.આથી ફરી કેન્દ્ર અને કર્ણાટકમાં જુદી સરકારનું સમિકરણ શરું થયું હતું. 


આમ જોવા જઇએ તો કેન્દ્રમાં સતત પાંચ વર્ષ જે પક્ષની સરકાર ચલાવી હોય એ દરમિયાન કર્ણાટકમાં પણ લાંબુ શાસન રહયું હોય તેવું ત્રણ દાયકાથી બન્યું નથી. ૨૦૧૮માં બીજેપી બહુમતિ મેળવીને આ પરંપરાને તોડશે એવું માનવામાં આવતું હતું પરંતુ તે ખોટું પડતા કર્ણાટકમાં કેન્દ્ર અને રાજય સરકારનો વિરોધાભાસ યથાવત રહયો છે. હવે કોંગ્રેસ અને જેડીએસના ગઢબંધનમાં તિરાડ પડતા કેન્દ્રમાં શાસન ધરાવતા ભાજપ માટે સરકાર રચવાની તક ઉભી થઇ છે પરંતુ કર્ણાટકનો રાજકિય ઇતિહાસ કેન્દ્ર વર્સિસ અધરનો રહયો છે.

 વર્ષ -  કર્ણાટક સરકાર - રાજકિય પક્ષ -  કેન્દ્ર સરકાર      રાજકિય પક્ષ 

૧૯૮૩ -  રામકૃષ્ણ હેગડે    જનતાદળ          ઇન્દિરાગાંધી          કોંગ્રેસ 

૧૯૮૯    વિરેન્દ્ર પાટીલ     કોંગ્રેસ               વીપી સિંહ           જનતાદળ 

૧૯૯૪   એચ ડી દેવગૌડા   જનતાદળ          પીવી નરસિંહરાવ     કોંગ્રેસ 

૧૯૯૯    એસ એમ ક્રિષ્ણા  કોંગ્રેસ              એબી વાજપેયી         ભાજપ 

૨૦૦૪    યેદિયૂરપ્પા         ભાજપ             મનમોહનસિંહ         કોંગ્રેસ 

૨૦૦૮    યેદિયૂરપ્પા        ભાજપ               મનમોહનસિંહ         કોંગ્રેસ 

૨૦૧૩    સિધારામૈયા       કોંગ્રેસ      (૨૦૧૪માં નરેન્દ્ર મોદી)         ભાજપ 

૨૦૧૮   કુમાર સ્વામી       જેડીએસ             નરેન્દ્ર મોદી            ભાજપ 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LF6Paw
via Latest Gujarati News

Post a Comment

0 Comments