
બર્મિંગહામ, તા.3 જુલાઈ 2019, બુધવાર
વન ડે અને ટી-૨૦ના વર્લ્ડ કપ તેમજ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારો વિશ્વનો એકમાત્ર કેપ્ટન અને ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન ધોની વર્લ્ડ કપમાં ભારતની આખરી મેચ પુરી થાય તેની સાથે કારકિર્દી પર પણ પૂર્ણવિરામ મૂકી દે તેવી અટકળો ચાલી રહી છે. ૩૭ વર્ષની ઉંમરે પહોંચેલો ધોની અચાનક જ નિવૃત્તિ જાહેર કરીને સરપ્રાઈઝ આપી શકે છે.
બીસીસીઆઇના ઓફિસિઅલને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, ધોની એવો વ્યક્તિ છે કે, જેના માટે કોઈ ભવિષ્યવાણી કરી ન શકાય. જોકે હાલની પરિસ્થિતિ જોતા તે હવે રમવાનું જારી રાખે તે શક્ય લાગતું નથી. તેણે કેપ્ટન્સી છોડવાનો નિર્ણય અચાનક લઈને બધાને ચોંકાવી દીધા હતા. આ વખતે પણ તેવું જ કંઈક બની શકે છે.
જો ભારત સેમિ ફાઇનલમાં વિજય મેળવીને ફાઈનલમાં પ્રવેશશે તો ટીમ ઈન્ડિયા ધોનીને ફેરવેલ ગિફ્ટમાં વર્લ્ડ કપ આપે તેવી શક્યતા સર્જાય તેમ છે. પસંદગીકારોએ પણ ધોનીના વિકલ્પરૂપે પંત તેમજ લોકેશ રાહુલને તૈયાર કરવાના શરૂ કરી દીધા છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xvxiyk
via Latest Gujarati News
0 Comments