પસંદગીકારોની ઘોર ઉપેક્ષાથી નારાજ રાયડુની નિવૃત્તિ


- વર્લ્ડ કપ માટે સ્ટેન્ડ બાય જાહેર કર્યા બાદ પસંદગીકારોએ શંકર ઈજાગ્રસ્ત બનતાં રાયડુને સ્થાન મયંક અગ્રવાલને ટીમમાં સમાવ્યો

નવી દિલ્હી, તા. 3 જૂન 2019, બુધવાર

એમ.એસ.કે. પ્રસાદની આગેવાની હેઠળની ભારતીય ટીમના પસંદગીકારોની ઘોર ઉપેક્ષા અને અન્યાયથી નારાજ ૩૩ વર્ષના ભારતીય બેટ્સમેન અંબાતી રાયડુએ અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. રાયડુએ આ પ્રકારે રાજીનામું આપતાં ભારતીય ક્રિકેટ જગતમાં પસંદગીકારોના નિર્ણયની ઉગ્ર ટીકા થઈ રહી છે.

પસંદગીકારોએ તેને સ્ટેન્ડબાયમાં પસંદ કર્યો હતો, જે અનુસાર વર્લ્ડ કપમાં કોઈ ઈજાગ્રસ્ત બને તો તેના સ્થાને રાયડુને જ ટીમમાં સમાવવાનો હોય. આમ છતાં પસંદગીકારોએ વિજય શંકર ઈજાગ્રસ્ત બનતા રાયડુને નજર અંદાજ કરીને સ્ટેન્ડ બાયમાં સામેલ ન હોવા છતાં મયંક અગ્રવાલને વર્લ્ડ કપની ટીમમાં સમાવી લીધો હતો, જેના પરીણામ રાયડુએ આ પગલું ભર્યું હતુ. 

વર્લ્ડ કપ પૂર્વે ભારતીય ટીમના ચોથા ક્રમના બેટ્સમેન તરીકે સ્થાન નિશ્ચિત કરી ચૂકેલા અંબાતી રાયડુનું પર્ફોમન્સ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં કંગાળ રહ્યું હતુ, જેના પરીણામે તેને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહતો અને તેના સ્થાને સાવ નવા-સવા ઓલરાઉન્ડર શંકરને ટીમમાં સમાવવામાં આવ્યો હતો. 

રાયડુએ ત્યારે જ પસંદગીકારો તરફ નારાજગી વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું હતુ કે, મેં વર્લ્ડ કપ જોવા માટે થ્રી ડિ ચશ્માનો ઓર્ડર આપી દીધો છે. રાયડુને એકમાત્ર સિરીઝની નિષ્ફળતાને કારણે પડતો મૂકવાના પસંદગીકારોના નિર્ણય સામે ઘણા પ્રશ્નો સર્જાયા હતા. જે પછી વિવાદને ઠારવાની કોશીશ કરતાં ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે મીડિયા સામે જાહેરાત કરી હતી કે, અમે પંત અને રાયડુ સહિતના પાંચ ખેલાડીઓને વર્લ્ડ કપના સ્ટેન્ડબાય તરીકે પસંદ કર્યા છે.

જો વર્લ્ડ કપની ટીમમાં કોઈ ઈજાગ્રસ્ત બનશે તો તેના સ્થાને આ સ્ટેન્ડબાય પ્લેયર્સને તેમના સ્થાને વર્લ્ડ કપમાં મોકલાશે. આ અનુસાર ધવન ઈજાગ્રસ્ત બનતાં પંતને વર્લ્ડ કપ ટીમમાં સમાવી લેવાયો. જોકે ઓલરાઉન્ડર વિજય શંકર ઈજાગ્રસ્ત બનતાં પસંદગીકારોએ રાયડુને બદલે સ્ટેન્ડબાયમાં જેનું નામ જ નહતું, તેવા મયંક અગ્રવાલને વર્લ્ડ કપની ટિકિટ આપી હતી. 

સ્ટેન્ડબાયમાં નામ હોવા છતાં પસંદગીકારોએ કરેલી ઉપેક્ષાથી નારાજ રાયડુએ નિવૃત્તિનો નિર્ણય જાહેર કર્યો હોવાનું સ્પષ્ટ હોવાનું મનાય છે. રાયડુએ ૫૫ વન ડેમાં ૪૭.૦૫ની સરેરાશથી ૧,૬૯૪ રન ફટકાર્યા હતા. મીડલ ઓર્ડરના જમણેરી બેટ્સમેને છ ટ્વેન્ટી-૨૦માં પણ ભાગ લીધો હતો. 

ભારતીય ક્રિકેટ બોર્ડના સીઇઓ રાહુલ જોહરીએ જણાવ્યું કે, રાયડુના રાજીનામાનો ઈ-મેલ બોર્ડના ક્રિકેટ ઓપરેશન્સ જનરલ મેનેજર સબા કરીમને મળ્યો છે. તેણે તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. 

રાયડુએ વિવાદ છેડવાને બદલે માત્ર આભાર માન્યો

ભારતના મીડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુએ પસંદગીકારોની ઘોર ઉપેક્ષા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક રાજીનામું જાહેર કરતાં અંબાતી રાયડુએ બધાનો આભાર માન્યો હતો. રાયડુએ તેના ઈ-મેલમાં લખ્યું છે કે, હું એ બાબત તમારા ધ્યાનમાં લાવવા માગુ છું કે, મેં રમતથી દૂર જવાનો નિર્ણય લીધો છે અને હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી અને તમામ સ્તરેથી નિવૃત્તિ લઈ રહ્યો છું. હું બીસીસીઆઇનો તેમજ મેં જે રાજ્ય એસોસિએશનોનું પ્રતિનિધિત્વ કર્યું  છે તેમનો પણ હું આભાર માનું છું, ખાસ કરીને હૈદરાબાદ, બરોડા, આંધ્ર અને વિદર્ભ એસોસિએશનનો પણ આભારી છું.

ધોનીની નજીક હોવાનું રાયડુને ભારે પડયું ? 

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે કોહલીના આગમન બાદ અચાનક જ પસંદગીકારોનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં ધોનીની નજીકના મનાતા ખેલાડીઓને યેન કેન પ્રકારે ટીમ ઈન્ડિયામાંથી દૂર કરવામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. એક સમયે ટીમ ઈન્ડિયાના ટોચના સ્પિનરો તરીકેનું સ્થાન ધરાવતા અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને સિલેક્ટરોએ હાંસિયામાં ધકેલી દીધા હતા. જાડેજાને એશિયા કપમાં તક મળી અને તેણે શાનદાર પ્રદર્શન કરી બતાવતા તેને નજરઅંદાજ કરવો કોઈના માટે શક્ય નહતો. અંબાતી રાયડુ પણ આઇપીએલમાં ચેન્નાઈની ટીમમાંથી રમે છે અને ધોનીની ઘણી નજીક હોવાનું મનાય છે. ક્રિકેટ વર્તુળોમાં છાની ચર્ચા ચાલી રહી છે કે, કદાચ આ જ કારણોસર કોહલીના ઈશારે વર્લ્ડ કપમાંથી રાયડુનું પત્તુ કપાયું હોઈ શકે. નહીતર સ્ટેન્ડબાયમાં સામેલ ન હોય તેવા અગ્રવાલને કેવી રીતે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળી શકે.

ઓલરાઉન્ડર ઈજાગ્રસ્ત થતાં ટીમ ઈન્ડિયામાં ઓપનરનો સમાવેશ !

વર્લ્ડ કપ જેવી મેજર ટુર્નામેન્ટ ચાલી રહી છે, જ્યારે ટીમ ઈન્ડિયાના પસંદગીકારો માત્ર કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીની કઠપુતળી બની રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ટીમ ઈન્ડિયામાં સામેલ ઓલરાઉન્ડર વિજય શંકર ઈજાગ્રસ્ત બનતાં સ્વાભાવિક રીતે તેના સ્થાને ટીમમાં કોઈ ઓલરાઉન્ડરને સમાવવો જોઈએ, પણ ભારતીય પસંદગીકારોએ આશ્ચર્યજનક રીતે ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કર્યો છે. હવે એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે, કેપ્ટન કોહલી અને કોચ શાસ્ત્રીએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવાનો આગ્રહ રાખ્યો હતો. અગ્રવાલના આગમનથી ભારતીય ટીમમાં ચાર ઓપનરો થઈ ગયા છે, જેમાં રોહિત શર્મા, લોકેશ રાહુલ, રિષભ પંત અને મયંક અગ્રવાલનો સમાવેશ થાય છે.

પાંચેય સિલેક્ટરોના રન ભેગા કરીએ તો પણ તેઓ રાયડુની બરોબરી ન કરી શકે

પસંદગીકારોની ઘોર ઉપેક્ષા બાદ આખરે રાયડુ આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. જે અંગે ઉગ્ર પ્રતિક્રિયા આપતાં ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે કહ્યું છે કે, જો ભારતીય ટીમની સિલેક્શન પેનલમાં સામેલ પાંચેય સિલેક્ટરોની કારકિર્દીના કુલ રન ભેગા કરવામાં આવે તો પણ તે રાયડુએ ફટકારેલા રનની તુલનામાં ક્યાંય ઓછા છે. 

મારા મતે પસંદગીકારોએ આ વર્લ્ડ કપમાં ખુબ જ નિરાશાજનક નિર્ણય લીધા છે. તેમના કારણે જ રાયડુને નિવૃત્તિ લેવી પડી છે. મારા મતે આ પ્રકારે રાયડુને નિવૃત્તિ જાહેર કરવી પડે તે ભારતીય ક્રિકેટ માટે ઘણા દુઃખની વાત કહેવાય. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LBlF14
via Latest Gujarati News

Post a Comment

0 Comments