
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.20 જુલાઈ 2019, શનિવાર
પુણેમાં ગઇકાલે રાતે કાર અને ટ્રક ટકરાતા થયેલા ભીષણ અકસ્માતમાં કોલેજના વિદ્યાર્થીઓ સહિત નવ મિત્રના મોત નિપજતા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ મિત્રોનું ગુ્રપ પિકનિક પરથી ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમને કાળભરખી ગયો હતો. આ દુર્ઘટનાને લીધે વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. વાહનોની અંદાજે બે કિલોમીટર લાંબીલાઇન લાગી હતી. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે. હાલ રાજ્યમાં હાઇવે પર અકસ્માતમાં જીવ ગુમાવવાની ઘટના વધી ગઇ છે.
પુણેના યવતમ રહેતા મિત્રો રાયગઢમાં પિકનિક મનાવવા ગયા હતા. આ ગુ્રપમાં અમૂક મિત્ર કોલેજમાં ભણતા હતા અને નોકરી કરતા હતા. તેઓ પિકનિક મનાવીને રાતે કારમાં ઘરે આવી રહ્યા હતા. પણ પુણે-સોલાપુર હાઇવે પર કદમવાક વસ્તી ગામ પાસે ડ્રાઇવરે ગાડી પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું.
કાર ડિવાઇડર ઓળંગીને સામેના રસ્તા પર ગઇ હતી. જ્યાં ટ્રક સાથે કારની જોરદાર અથડામણ થઇ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કરચરઘાણ નીકળી ગયો હતો. કારમાં બેસેલા નવ મિત્ર અક્ષય વાઇકર, નિખિલ વાબળે, વિશાલ યાદવ, સોનૂ દાયા, પરવેઝ અત્તાર, શુભમ ભિસે, અક્ષય ઘિગે, દત્તા યાદવ અને જુબેર ગંભીર ઇજા થતા મોતને ભેટયા હતા.
આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકો, પોલીસ મદદ માટે ગયા હતા. કારમાંથી મૃતદેહો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાહતા. ટ્રક સાથે ટકરાયા બાદ કાર અંદાજે ૧૦૦ ફૂટ સુધી રસ્તા પર ઢસડાઇ ગઇ હોવાનું કહેવાય છે. અકસ્માતની જાણ થતા હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાને લીધે વાહનવ્યવહારને પણ અસર થઇ હતી.
અકસ્માત અગાઉ એક યુવકે માતાને ફોન કરીને થોડીવારમાં ઘરે આવું છું કહ્યું પણ તેનો મૃતદેહ આવ્યો
અકસ્માતમાં મદદ કરવા ગયેલા યુવકને તેના માસીના દીકરાનું પણ મોત થયું હોવાની ખબર જ નહોતી. તેનો મૃતદેહ જોઈને યુવકના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અકસ્માત અગાઉ મૃતક યુવકે તેની માતાને ફોન કરીને ઘરે આવી રહ્યો હોવાનું કહ્યું હતું. પણ ઘરે તેનો મૃતદેહ આવ્યો હતો.
આ દુર્ઘટનામાં મોહમ્મદ અલીના માસીના દીકરા સોનૂ ઉર્ફે નૂર દાયાએ જીવ ગુમાવ્યો હતો. આ બનાવની માહિતી આપતા મોહમ્મદ અલીએ જણાવ્યું હતું કે 'લોણી કાળભોરમાં કોલેજમાં બીજા વર્ષમાં ભણતો હતો. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સોનૂ એક કંપનીમાં પણ નોકરી કરતો હતો. બે દિવસ અગાઉ સોનૂના મિત્રોએ રાયગઢ પિકનિક પર જવાનું નક્કી કર્યું હતું. આ બાબતની તેણે ઘરે જાણ કરી હતી. ત્યારે માતાએ પિકનિકમાં જવાની ના પાડી હતી.
આ દુર્ઘટના અગાઉ તેણે માતાને ફોન કરીને થોડીવારમાં ઘરે આવું છું એમ કહ્યું હતું. હું ગઈકાલે રાતે કામ કરીને ઘરે જઈ રહ્યો હતો. પણ વાહનોની લાંબી લાઈન હતી. આથી હું અને મારો મિત્ર ગાડીમાંથી નીચે ઉતરીને અકસ્માતના સ્થળે મદદ કરવા ગયા હતા. કારમાંથી બે મૃતદેહ બહાર કાઢયા હતા. ત્યારે એક મૃતદેહ સોનૂનો હોવાનો જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
બીજી તરફ અકસ્માતમાં મૃત્યુ પામેલો પરવેઝ કોલેજના છેલ્લા વર્ષમાં ભણતો હતો. તે અભ્યાસ પૂર્ણ થયા બાદ સારી કંપનીમાં નોકરી મેળવીને પિતાના સ્વપ્ન પૂરા કરવા માગતો હતો.
આ સિવાય કોલેજના બીજા વર્ષમાં ભણતો મૃતક જુબેર ભંગારની દુકાનમાં પણ કામ કરતો હતો. તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગતો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LwoRvJ
via Latest Gujarati News
0 Comments