નવી દિલ્હી, તા.22 જુલાઇ 2019, સોમવાર
પાટનગર નવી દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતરેલી એક વિદેશી મહિલાએ માઇક્રોસ્કોપમાં છૂપાવેલી કરોડોનું સોનું કસ્ટમ્સ અધિકારીઓએ સૂઝબૂઝપૂર્વક પકડી પાડ્યું હતું.
દક્ષિણ કોરિયાની નાગરિક આ મહિલા કોરિયન એરલાઇન્સના વિમાનમાં આવી હતી અને પોતાની પાસે કશું નથી એવું દર્શાવતી ગ્રીન ચેનલમાંથી બહાર નીકળવાની તૈયારીમાં હતી ત્યારે શંકા પડતાં કસ્ટમ્સ અધિકારીઓએ એને અટકાવી હતી. આ મહિલા પાસે એક માઇક્રોસ્કોપ હતું જેનું વજન હોવું જોઇએ એના કરતાં વધુ હોવાથી કસ્ટમ્સે માઇક્રોસ્કોપની તપાસ શરૂ કરી હતી. માઇક્રોસ્કોપના તળિયામાં આ મહિલાએ સોનાના સાત બાર છૂપાવ્યા હતા જેનું વજન આશરે સાત કિલો હતું. ઇન્ટરનેશનલ બજારમાં આટલા સોનાની કિંમત આશરે અઢી કરોડ રૂપિયા થાય.
આ સોના અંગે સંબંધિત મહિલા કોઇ સંતોષકારક ખુલાસો આપી શકી નહોતી એટલે કસ્મમ્સે એની ધરપકડ કરી હતી. આ સોનું દાણચોરીનું હોવાનું મનાય છે. છેલ્લા થોડા સમયથી કસ્ટમ્સની આંખમાં ધૂળ નાખીને સોનું દેશમાં ઘુસાડવા દાણચોરો નીત નવી તરકીબો અપનાવી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XWC9YN
via Latest Gujarati News
0 Comments