(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 22 જુલાઈ 2019, સોમવાર
નવી મુંબઇમાં બેફામ પણે કાર દોડાવીને ડ્રાઇવરે અડફેટમાં લેતા બે જણના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચને ઇજા થઇ હતી. કારની ચાર બાઇક, સ્કૂલ બસ અને અન્ય વાહન સાથે પણ અથડામણ થઇ હતી. મૃતકમાં સાત વર્ષના બાળકનો સમાવેશ છે. આ દુર્ઘટના બાદ આરોપી ડ્રાઇવર ઇજાગ્રસ્તને મદદ કરવાને બદલે ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે. આ સંપૂર્ણ બનાવ સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગયો હતો.
નવી મુંબઇના કામોઠે સેક્ટર નં. ૬માં ગઇકાલે સાંજે રસ્તા પર લોકોની ભીડ હતી ત્યારે પૂરપાટ કાર દોડાવીને આવી રહેલા ડ્રાઇવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. કાર ચાલકે બાઇક અને ચાલીને જઇ રહેલા લોકોને અડફેટમાં લીધા હતા. પછી રસ્તાની એકબાજુ પર ઉભેલી સ્કૂલ બસ સાથે કાર ટકરાઇ હતી.
આ દુર્ઘટનામાં સાત વર્ષીય સાર્થક ચોપડે અને ૩૨ વર્ષીય વૈભવ ગુરવે જીવગુમાવ્યો હતો જ્યારે મૃતક સાર્થકની માતા સાધના (ઉં.વ.૩૦), તથા શ્રદ્ધા જાધવ (ઉં.વ.૩૧), શિફા (ઉં.વ. ૧૬), આશિષ (ઉં.વ.૨૨) અને પ્રશાંત માને જખમી થયા હતાં.
અકસ્માત પછી નાસી ગયેલા ડ્રાઇવર સામે પોલીસે કેસ દાખલ કર્યો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2y6oGhG
via Latest Gujarati News
0 Comments