આજની ઔપચારિક મેચમાં વિન્ડિઝના બેટ્સમેનોની અફઘાન સ્પિનરો સામે કસોટી


લીડ્ઝ, તા. 3 જુલાઈ 2019, બુધવાર

વર્લ્ડ કપમાં આવતીકાલની ઔપચારિક મેચમાં અફઘાનિસ્તાનની ટક્કર વેસ્ટ ઈન્ડિઝ સામે થશે. સેમિ ફાઈનલની રેસમાંથી બહાર ફેંકાયેલી બંને ટીમો આવતીકાલે વર્લ્ડ કપની આખરી મેચમાં વિજય સાથે વિદાય મેળવવાનો પ્રયાસ કરશે. વિશ્વભરમાં ધુરંધર બેટસમેનો માટે જાણીતી કેરેબિયન ટીમની કસોટી અફઘાન સ્પિનરો કરશે. ભારતીય સમય પ્રમાણે બપોરે ૩.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. 

લીડ્ઝના હેડિંગ્લે મેદાન પર રમાનારી આઇસીસી વર્લ્ડ કપની આ ઔપચારિક વન ડે ભારતીય સમય પ્રમાણે બપોરે ૩.૦૦ વાગ્યાથી શરૂ થશે. હોલ્ડરની આગેવાની હેઠળની વિન્ડિઝની ટીમે વર્લ્ડ કપની શરૂઆત તો ધમાકેદાર કરી હતી, પણ ત્યાર બાદ તેઓ સાતત્ય જાળવી શક્યા નહતા અને તબક્કાવાર હારીને બહાર ફેંકાયા હતા. નિકોલસ પૂરણ, કાર્લોસ બ્રાથવેઈટ જેવા બેટસમેનોએ પ્રભાવ પાડયો છે, ત્યારે ગેલ પાસેથી કેરેબિયન ચાહકોને યાદગાર ઈનિંગની આશા છે. 

વિન્ડિઝની બેટીંગનો મદાર શાઈ હોપ, હેતમાયેર તેમજ લુઈસ પર રહેશે. ઓલરાઉન્ડર હોલ્ડર તેમજ એલન પણ જાદુ ચલાવી શકે છે. બીજી તરફ અફઘાનિસ્તાન તેના વિદાય લઈ રહેલી વેસ્ટ ઈન્ડિયન કોચ ફિલ સિમોન્સને વિન્ડિઝ સામેનો વર્લ્ડ કપ વિજય ફેરવેલ ગિફ્ટ કરવા ઈચ્છી રહ્યા છે. 

અફઘાનિસ્તાને ભારત અને પાકિસ્તાન સહિતની ટીમો સામે શાનદાર દેખાવ કરતાં જીતની આશા જગાવી હતી. આમ છતાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઓછો અનુભવ અને મેચ પર પકડ જાળવી રાખવાની નિષ્ફળતાને કારણે અફઘાનિસ્તાન હજુ એક પણ મેચ જીતી શક્યું નહતુ. હવે તેઓ વર્લ્ડ કપમાંથી વિદાય લેતા પહેલા આશ્ચાસનરૂપ સફળતા મેળવવાનો પ્રયાસ કરશે.

સ્પિનર રાશિદ તેમજ ૧૯ વર્ષીય સ્પિનર મુજીબ પર અફઘાન બોલિંગનો મુખ્ય મદાર રહેશે. કેપ્ટન ગુલબદ્દિન નાઈબની સાથે સાથે મોહમ્મદ નાબી, શેનવારી, નજીબુલ્લાહ જેવા અફઘાન ખેલાડીઓ પર પ્રભાવ પાડી શકે છે. 

અફઘાનિસ્તાન ઃ નાઈબ (કેપ્ટન), એન.ઝદરન, ઝાઝાઈ, રહમત (વિ.કી.), અફઘાન, શાહિદી, ઝદરન, શેનવારી, નાબી, રાશિદ, ડી. ઝદરન, આલમ, હસન, મુજીબ અને ઈકરામ.

વિન્ડિઝ ઃ હોલ્ડર (કેપ્ટન), ગેલ, રોચ, બ્રાવો, એમ્બ્રિસ, હોપ (વિ.કી.), કોટરેલ, લુઈસ, ગેબ્રિયલ, બ્રાથવેઈટ, નર્સ, હેતમાયેર, એલન, થોમસ, પૂરણ.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LBlHGe
via Latest Gujarati News

Post a Comment

0 Comments