
નવી દિલ્હી, તા. 28 જુલાઇ 2019, રવિવાર
જેલમાં જતાની સાથે જ હાઈ પ્રોફાઇલ લોકોની તબિયત લથડી જતી હોય છે. જો રાંચીની બિરસા મુંડા જેલના પાછલા 10 વર્ષનો ઈતિહાસ જોવામાં આવે તો આ વાત સાબિત પણ થાય છે. અહીંયા ઘણા બધા VIP લોકોને સ્વાસ્થ્યની તકલીફના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે અને એમને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે.
તાજું ઉદાહરણ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવનું છે. જેમને જેલના 19 મહિનામાંથી 17 મહિના હોસ્પિટલમાં રાખવામાં આવ્યા અને હજુ એમની તબિયત સારી નથી. તેઓ હાલ પણ રાંચીની રાજેન્દ્ર ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ(રિમ્સ) હોસ્પિટલમાં દાખલ છે. તેમની સુરક્ષા માટે 42 પોલીસ કર્મચારી તૈનાત છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ જેલના ઈન્સપેક્ટર જનરલ વીરેન્દ્ર ભૂષણે જણાવ્યું કે, રિમ્સના ડાયરેક્ટર લાલુ પ્રસાદના સ્વાસ્થ્યનો રિપોર્ટ દર મહિને મોકલે છે. પરંતુ કોઈ પણ રિપોર્ટમાં લાલુને ફિટ અને સ્થિર બતાવવામાં આવ્યા નથી. એક વખત અમને સકારાત્મક રિપોર્ટ મળી જશે તો અમે લાલુને જેલમાં શિફ્ટ કરી નાખીશું.
ઉલ્લેખનીય છે કે, બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ 23 ડિસેમ્બર, 2017થી એક બાદ એક ત્રણ અલગ-અલગ પ્રકારના ઘાસ ચારા કૌભાંડમાં સજા મળ્યા બાદથી જેલમાં છે. એમાં એક મહિના માટે એમને જામીન પણ મળ્યા હતા. જેલમાં ગયા બાદ એક મહિનામાં જ એમને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ થવા લાગી હતી.
લાલુને પ્રથમ રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દિલ્હીની ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઑફ મેડિકલ સાયન્સ(એમ્સ)માં શિફટ કરવામાં આવ્યા હતા. મે, 2018માં એમ્સમાં ફિટ જાહેર કર્યા બાદ તેઓ ફરી રિમ્સમાં એડમિટ થયા હતા. જોકે, ત્યારબાદ એમને મોટા પુત્રના લગ્ન માટે પેરોલ આપવામાં આવ્યા હતા. બાદમાં એમને મુંબઈના હોસ્પિટલમાં વધારાની સારવાર માટે હાઈકોર્ટે દ્વારા વધારાની જામીન આપવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ ફરી 2018ના મે મહિનામા ફરી પાછા રિમ્સમાં આવ્યા અને ત્યારથી એમની સારવાર અહીંયા થઇ રહી છે. જે વોર્ડમાં એમને રાખવામાં આવ્યા છે તેમાં AC સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે.
જોકે, લાલુ ઘણી બધી બીમારીઓના શિકાર બન્યા છે. જેમાં એમની મોટી મુશ્કેલી ટાઈપ-2 ડાયાબિટીઝ અને બલ્ડ પ્રેશર છે. એમની સારવાર કરનાર વરિષ્ઠ ડૉક્ટર ડી કે ઝા નું કહેવું છે કે, લાલુને 15 પ્રકારની બીમારીઓ છે અને તેમાં સૌથી મોટી સમસ્યા એમની અનિયંત્રિત ડાયાબિટીસ છે. એમને કીડનીની પણ તકલીફ છે. તેમના ઘણા અંગો માત્ર 50 ટકા કાર્યરત છે.
ડૉક્ટર ઝા એ વધુમાં કહ્યું કે અમે દર શુક્રવારે લાલુ પ્રસાદના રિપોર્ટ ASP અને જેલ વહીવટીતંત્રને મોકલીએ છીએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Gv4Xgk
via Latest Gujarati News
0 Comments