મિસ્ત્રીને ચેરમેન બનાવવાના NCLATના આદેશ સામે ટાટા સન્સ સુપ્રીમમાં


એનસીએલએટીએ 18 ડિસે.ના ચુકાદામાં ચંદ્રેશખરને ચેરમેન બનાવવાના મેનેજમેન્ટના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો  

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ(ટીએસપીએલ)એ આજે સાઇરસ મિસ્ત્રીને કંપનીના ચેરમેન તરીકે બહાલ કરવાના એનસીએલએટીના 18 ડિસેમ્બરના આદેશની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. કંપનીએ એનસીએલએટીના સંપૂર્ણ ચુકાદાને પડકાર્યો છે અને આ આદેશ પર સ્ટેની માગ કરી છે. 

ઉલ્લેખનીય છે કે 18 ડિસેમ્બરના રોજના પોતાના ચુકાદામાં એનસીએલએટીએ એન ચંદ્રશેખરનને કાર્યકારી ચેરમેન બનાવવાના મેનેજમેન્ટના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો. ટાટા સન્સના ચેરમેન પદેથી સાઇરસ મિસ્ત્રીને દૂર કરવાની પ્રક્રિયાને પણ એનસીએલટીએ અયોગ્ય ઠેરવી હતી. ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં મિસ્ત્રીને ફરીથી બહાલ કરવાનો આદેશ આપ્યો હતો. 

અગાઉ ટાટા સન્સ લિમિટેડ તરીકે ઓળખાતા ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડે આજે નેશનલ કંપની લો એપ્લેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)ના સંપૂર્ણ ચુકાદાને ફગાવી દેવાની માગ કરતા જણાવ્યું છે કે આ ચુકાદો કોર્પોરેટ લોની જોગવાઇથી તદ્દન વિપરિત છે. 

એનસીએલએટીના ચુકાદાથી મિસ્ત્રી અને સાયરસ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને મોટી રાહત મળી હતી. ઉલ્લેખનીય છે કે ટાટા સન્સે ટ્રિબ્યુનલના આદેશ પછી સ્પષ્ટપણે જણાવી દીધુ હતું કે તે આ આદેશની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે.

ટાટાના વર્તમાન મેનેજમેન્ટને નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ (એનસીએએલટી)એ મોટો આંચકો આપ્યો હતો. આ અગાઉ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)ની મુંબઇ બેન્ચે સાયરસ મિસ્ત્રીની હટાવવાની વિરૂદ્ધ દાખલ કરેલી અરજીઓ ફગાવી દીધી હતી. 

આ અરજીઓ સાયરસ ઇનવેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને સ્ટર્લિંગ ઇનવેસ્ટમેન્ટ કોર્પ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ મિસ્ત્રીએ પોતે જ એનસીએલએટીનો સંપર્ક સાધ્યો હતો. 

મિસ્ત્રીને ઓક્ટોબર, 2016માં ટાટા સન્સના ચેરમેન પદેથી દૂર કરવામાં આવ્યા હતાં. તેઓ ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન હતાં. રતન ટાટાની નિવૃત્તિની જાહેરાત પછી મિસ્ત્રી 2012માં ટાટા સન્સના ચેરમેન બન્યા હતાં. 

ઉલ્લેખનીય છે કે મિસ્ત્રી શેપોર્જી પેલ્લોન્જી પરિવારના સભ્ય છે અને આ પરિવાર પાસે ટાટા સન્સના 18.4 ટકા શેર છે. 2016માં રટન ટાટા અને કંપનીના બોર્ડે દુર્વ્યવહારનો આરોપ મૂકી સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવી દીધા હતાં. મિસ્ત્રીને ટાટા જૂથની અન્ય 6 કંપનીઓના બોર્ડમાંથી પણ રાજીનામું આપવા જણાવવામાં આવ્યું હતું. 

ટાટા જૂથે જણાવ્યું હતું કે સાયરસ મિસ્ત્રીને એટલી માટે દૂર કરવામાં આવ્યા છે કારણકે બોર્ડે તેમના પ્રત્યે વિશ્વાસ ગુમાવી દીધો હતો. જૂથે આરોપ મૂક્યો હતો કે મિસ્ત્રીએ જાણી જોઇને અને કંપનીને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી સંવેદનશીલ માહિતી લીક કરી હતી. જેના કારણે ગુ્રપની માર્કટ વેલ્યુમાં મોટું નુકસાન થયું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2rTnkYm
via Latest Gujarati News

Post a Comment

0 Comments