26મી જાન્યુઆરીની પરેડમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્રના ટેબ્લોને સ્થાન ન મળતાં હોબાળો


યુપીએના સમયમાં આમ થયું હોત તો મહારાષ્ટ્ર ભાજપે ભારે હોબાળો મચાવ્યો હોત : સંજય રાઉત                                                         

બન્ને રાજ્યના ટેબ્લો નિયમ મુજબ ન હોવાથી પસંદ કરાયા નથી : કેન્દ્ર સરકારનો બચાવ                                               

નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

ગણતંત્ર દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના ટેબ્લોને સૃથાન આપવામાં આવ્યું નથી, જેનો વિવાદ વધી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળના ટેબ્લોને નકારવા મુદ્દે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે.

તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે નાગરિકતા સુધારા કાયદા વિરૂદ્ધ મમતા બેનરજીના ઉગ્ર વલણ અને રાજ્યમાં થઈ રહેલા દેખાવોના કારણે આ નિર્ણય લેવાયો છે. તેમણે તેને રાજ્ય અને અહીંની જનતાનું અપમાન ગણાવ્યું છે. મહારાષ્ટ્રના ટેબ્લોને સૃથાન નહીં મળવા મુદ્દે એનસીપી અને શિવસેનાએ પણ આ બાબતને રાજ્યનું અપમાન ગણાવ્યું છે. 

પશ્ચિમ બંગાળમાં સંસદીય બાબતોના મંત્રી તાપસ રોયે આરોપ મૂક્યો કે કેન્દ્રની મોદી સરકાર રાજ્ય પ્રત્યે બદલાની ભાવનાથી કામ કરી રહી છે. પશ્ચિમ બંગાળ ભાજપ સરકારની જનવિરોધી નીતિઓનો વિરોધ કરતું હોવાથી તેની સાથે સાવકો વ્યવહાર થઈ રહ્યો છે.

દેશમાં નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસી જેવા કાયદાઓના વિરોધનું નેતૃત્વ મમતા બેનરજી કરી રહ્યાં હોવાથી કેન્દ્ર સરકારે અમારા ટેબ્લોની દરખાસ્ત નકારી કાઢી છે. આ પ્રકારનું રાજકારણ અમને જનતાવિરોધી નીતિઓનો વિરોધ કરતાં અટકાવી શકશે નહીં. ભાજપે પશ્ચિમ બંગાળના લોકોનું અપમાન કર્યું છે, જેનો તેને નજીકના ભવિષ્યમાં જડબાતોડ જવાબ મળશે.

તૃણમૂલ કોંગ્રેસના આરોપોનો જવાબ આપતાં પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષે કહ્યું કે રાજ્ય સરકારે નિયમોની પ્રક્રિયાનું પાલન નહીં કર્યું હોવાથી પશ્ચિમ બંગાળના ટેબ્લોની દરખાસ્ત નકારી કઢાઈ હતી. તૃણમૂલ કોંગ્રેસે દરેક મુદ્દાઓ પર રાજકારણ કરવાનું બંધ કરી દેવું જોઈએ.

પશ્ચિમ બંગાળની જેમ મહારાષ્ટ્રના ટેબ્લોની દરખાસ્ત પણ નકારી કઢાઈ છે. આ બાબતને રાજ્યના અપમાન સાથે જોડતાં એનસીપી સાંસદ સુપ્રીયા સુળેએ જણાવ્યું હતું કે ભાજપનું શાસન નથી એવા મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના ટેબ્લોને ઈનકાર કરીને મોદી સરકાર 'પક્ષપાતભર્યું' વલણ અપનાવી રહી છે. 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ આ બાબતની તપાસ કરવી જોઈએ. રાજ્યસભામાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ કેન્દ્રની ટીકા કરતાં કહ્યું કે આ પ્રકારનો વ્યવહાર જો યુપીએ શાસનના સમયમાં થયો હતો તો મહારાષ્ટ્ર ભાજપે ભારે હોબાળો મચાવ્યો હતો. 

સંરક્ષણ મંત્રાલયની દલીલ

સંરક્ષણ મંત્રાલયે બુધવારે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના ટેબ્લોની દરખાસ્ત નકારી કાઢી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકારની દરખાસ્તની એક નિષ્ણાત સમિતિએ બે તબક્કામાં તપાસ કર્યા પછી નકારી કાઢી હતી. પશ્ચિમ બંગાળના ટેબ્લોને પ્રજાસત્તાક દિવસ 2020માં ભાગ લેવા માટે શોર્ટલિસ્ટ કરાઈ હતી. પરંતુ નિષ્ણાત સમિતિએ બીજી બેઠકમાં ચર્ચા વિચારણા કર્યા પછી પશ્ચિમ બંગાળની દરખાસ્ત નકારી કાઢી હતી.

કુલ 22 દરખાસ્તો સ્વીકારાઈ

સંરક્ષણ મંત્રાલયને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ટેબ્લોની 32 અને કેન્દ્રીય મંત્રાલયોના વિભોગની 24 દરખાસ્તો મળી હતી. મંત્રાલયે કહ્યું કે, પાંચ બેઠકો પછી તેમાંથી રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના 16 અને મંત્રાલયો-વિભાગોના 6 ટેબ્લો સહિત કુલ 22 ટેબ્લોની પ્રજાસત્તાક દિનની પરેડ માટે પસંદગી કરાઈ છે.

પશ્ચિમ બંગાળની અરજી શા માટે નકારાઈ

સરકારી સૂત્રોએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર 'યુનિક થીમ'ના માપદંડને અનુસરી ન હોવાથી તેના ટેબ્લોની દરખાસ્ત નકારી કઢાઈ હતી. રાજ્ય સરકારે તેના ટેબ્લો માટે કન્યાશ્રી, સેવ ગ્રીન, સ્ટે ક્લીન અને 'જળ ધરો જળ ભરો' (જોલ ધોરો જોલ ભોરો) ત્રણ યોજનાઓની દરખાસ્ત રજૂ કરી હતી.

નિયમ મુજબ ટેબ્લો માટેની થીમ અજોડ હોવી જોઈએ તે સૌથી મહત્વનો માપદંડ છે અને પશ્ચિમ બંગાળની 'કન્યાશ્રી' થીમની દરખાસ્ત 2015માં પણ નકારી કઢાઈ હતી, કારણ કે કેન્દ્રની પણ આવી જ 'બેટી બચાવો, બેટી પઢાઓ' યોજના છે. પ. બંગાળની 'સેવ ગ્રીન, સ્ટે ક્લીન' જેવી જ યોજના કેન્દ્રની 'નેશનલ ક્લીન એર પ્રોગ્રામ' યોજના છે. ઉપરાંત 'જળ ધરો, જળ ભરો' યોજના જેવી કેન્દ્રની યોજના 'અટલ જળ યોજના' છે. આમ, પશ્ચિમ બંગાળની ત્રણે યોજના યુનિકનેસના માપદંડ પૂરા કરતી ન હતી.

એનડીએ શાસિત 8, યુપીએ શાસિત 4 રાજ્યોના ટેબ્લો મંજૂર

પ્રજાસત્તાક દિનની પરેડ માટે સમયના અભાવના કારણે દેશના 32 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો અને મંત્રાલયોમાંથી ટેબ્લો માટે 56 દરખાસ્તોમાંથી 22ની પસંદગી કરાઈ હતી, જેમાં 15 દરખાસ્તો રાજ્યો, એક કેન્દ્રશાસિત પ્રદેશ અને 6 દરખાસ્તો મંત્રાલયોની હતી. પસંદ થયેલા રાજ્યોમાંથી આઠ એનડીએ શાસિત જ્યારે ચાર યુપીએ શાસિત છે અને ત્રણ રાજ્યોમાં એનડીએ કે યુપીએનું શાસન નથી.

પસંદ થયેલા રાજ્યોમાં એનડીએ શાસિત રાજ્યોમં આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મેઘાલય,  કર્ણાટક, તામિલનાડુ, અને ઉત્તર પ્રદેશ, યુપીએ શાસિત રાજ્યોમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, રાજસ્થાન જ્યારે એનડીએ-યુપીએનું શાસન ન હોય તેવા રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZJXGBC
via Latest Gujarati News

Post a Comment

0 Comments