
નવી દિલ્હી, તા. 28 જુલાઇ, 2019, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં બીજી વખત દેશવાસીઓને મન કી બાત વડે સંબોધન કર્યુ છે. ચંદ્રયાન-૨ મિશનનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે મને પુરો વિશ્વાસ છે કે આકાશને પેલે પાર અંતરિક્ષમાં ભારતની સફળતા પર તમને ગૌરવ થયું હશે.
ચંદ્રયાન-૨ મિશને ફરી એક વખત સાબિત કરી આપ્યું છે કે કંઇક નવું કરવાની વાત આવે તો આપણા વૈજ્ઞાનિકો તેમાં સર્વ શ્રેષ્ઠ અને વૈશ્વિક કક્ષાના છે. જો મને પુછવામાં આવે કે આ મિશનમાંથી શું શીખવા મળ્યું? તો હું કહીશ કે આ મિશને વિશ્વાસ અને નિડરતાંના બે પાઠ શિખવ્યા છે. છેલ્લી ઘડીએ ચંદ્રયાન-૨માં આવેલી ટેકનિકલ ખામીને જે રીતે ઇસરોના વૈજ્ઞાાનિકોએ દૂર કરી તેની પ્રશંસા કરતા જણવ્યું કે આપણે આપણી પાસે રહેલા ટેલેન્ટ પર વિશ્વાસ કરવો જોઇએ.
આ સાથે જ વડાપ્રધાને દેશભરના વિદ્યાર્થીઓ માટે એક ક્વિઝ કોમ્પિટિશનની જાહેરાત પણ કરી છે. આ કોમ્પિટિશનમાં વિજેતા બનનાર વિદ્યાર્થીને ઇનામ સ્વરૂપે શ્રીહરિકોટા સ્પેસ સેંટરમાં જવા મળશે. તેમજ જ્યારે ચંદ્રયાન-૨ ચંદ્રની ધરતી પર ઉતરશે તે આતિહાસિક ક્ષણનું સાક્ષી બનવાનું સૌભાગ્ય પણ મળશે. તેમણે દેશભરના વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં ભાગ લેવાની અપીલ કરી છે.
કાશ્મીર અંગે વાત કરતાં જણાવ્યું છે કે ત્યાંના લોકો મુખ્યધારામાં જોડાવા માટે આતુર છે. વિકાસની શક્તિ બોમ્બ અને બંદૂકની શક્તિ પર હંમેશા ભારે પડે છે. કાશ્મીરમાં નફરત ફેલાવનારા અને વિકાસને અવરોધવાની કોશિશ કરવા વાળા ક્યારેય સફળ નહીં થાય. તેમના બધા જ કાવતરા નિષ્ફળ જશે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે કાશ્મીરમાં જે અધિકારીઓને ગામના લોકોએ કયારેય જોયા જ નહોતા, તેઓ સામે ચાલીને લોકોના ઘર સુધી જઇ રહ્યાં છે. જેથી વિકાસના કામોમાં આવતી બાધાઓને દૂર કરી શકાય. સરહદ પર સતત ગોળીબારી વચ્ચે રહેતા લોકો સુધી આ અધિકારીઓ પહેંચ્યા છે.
પહેલી વખત એવું બન્યું છે કે ૪૫૦૦થી પણ વધારે ગ્રામ પંચાયતોમાં અધિકારીઓ સામેથી ગયા છે અને લોકોને સુવિધા આપી રહ્યા છે.તેમણે જણાવ્યું કે વિવિધ રાજ્યોમાં પૂરની સ્થિતિમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે. જળનિતિ બનાવવા બદલ તેમણે મેઘાલય રાજ્યની પ્રશંસા પણ કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ylAihc
via Latest Gujarati News
0 Comments