નવી દિલ્હી, તા. 24 જુલાઇ 2019, બુધવાર
સગીર વયના યુવક-યુવતી વાહન ચલાવતાં અને અકસ્માત કરતાં પકડાય તો હવે પછી એના માબાપને આકરી સજા થશે જેમાં મોટી રકમના દંડ અને જેલનો સમાવેશ થાય છે.
મોટર વ્હીકલ એક્ટમાં સુધારા રૂપે સૂચવાયેલા આ પ્રસ્તાવને લોકસભામાં બહાલી મળી હતી. માર્ગ વાહનવ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ આ જાહેરાત લોકસભામાં કરી હતી. હાલ સ્કૂલમાં ભણતાં બાળકો ટુ વ્હીલર અને ક્યારેક ફોર વ્હીલર લઇને સડક પર નીકળતા હોવાની ઘટના લગભગ રોજની થઇ પડી છે. આડેધડ વાહન ચલાવવા ઉપરાંત ગમે ત્યાં વાહન પાર્ક કરવું એ તેમની આદત બની ગઇ છે.
કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સૂચવેલા સુધારા મુજબ હવે આવું ચાલશે નહીં. જો કે ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે આ સુધારા દ્વારા કેન્દ્ર રાજ્ય સરકારોના કોઇ અધિકાર પર તરાપ મારવા માગતી નથી. જે રાજ્ય આ સુધારો સ્વીકારવા તૈયાર ન હોય તો તેમ પરંતુ અમે આ સુધારો લાદવાના નથી. વાહન વ્યવહાર સુગમ રીતે ચાલે અને અકસ્માતો ઓછા થાય એટલેાજ અમારો હેતુ છે. એ કારણથીજ આ સુધારો રજૂ કર્યો છે.
સાથોસાથ હાલના કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરાયા છે. અગાઉ સીટબેલ્ટ નહીં બાંધનારને 100 રૂપિયા દંડ થતો હતો. કાયદામાં કરાયેલા સુધારા મુજબ હવે 1000 રૂપિયા દંડ થશે. શરાબ પીને વાહન ચલાવતાં પકડાયા તો અગાઉ 2000 રૂપિયા દંડ થતો હતો, હવે 10 હજાર રૂપિયા દંડ થશે. બેફામ વાહન હંકારનારને અગાઉ 500 રૂપિયા દંડ થતો હતો, હવે 5000 રૂપિયા દંડ થશે. આવા બીજા ઘણા સુધારા આ કાયદામાં કરવામાં આવ્યા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Gr9j8e
via Latest Gujarati News
0 Comments