કોહલીને સ્થાને રોહિતને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવા તખ્તો ઘડાયો


2023ના વર્લ્ડકપ માટે અત્યારથી જ ટીમ તૈયાર કરવી પડશે: BCCI અધિકારી

મુંબઇ, તા. 15 જુલાઈ 2019, સોમવાર

વિરાટ કોહલીને સ્થાને રોહિત શર્માને ભારતીય વન-ડે, ટ્વેન્ટી૨૦ ટીમનો કેપ્ટન બનાવવામાં આવે તે માટેનો તખ્તો ઘડાઇ રહ્યો છે. બોર્ડ ઓફ ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) સ્પિલ્ટ કેપ્ટનસી (ટેસ્ટ, વન-ડે ફોર્મેટના અલગ કેપ્ટન) અંગે ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે.

બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે સમર્થન આપતા જણાવ્યું હતું કે, 'આગામી વન-ડે વર્લ્ડકપમાં સારો દેખાવ કરવા માટેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી પડશે. વન-ડે ફોર્મેટમાં રોહિત શર્મા સુકાન સંભાળે તેના માટે આ યોગ્ય સમય છે. ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન અને મેનેજમેન્ટને ખૂબ જ સારો ટેકો છે તેમાં બેમત નથી. પરંતુ આગામી વર્લ્ડકપ માટે નવા વિચારો સાથેની રણનીતિ ઘડવાનો સમય આવી ગયો છે.

કયા પાસામાં વધારે મહેનત કરવાની જરૂર છે તેનાથી અમે વાકેફ છીએ. રોહિત ભારતની વન-ડે, ટ્વેન્ટી૨૦ ટીમનો કેપ્ટન બનવા યોગ્ય પસંદગી છે. ' વર્લ્ડકપ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી-વાઇસ કેપ્ટન રોહિત શર્માના બે જૂથ પડી ગયા હોવાના અહેવાલ આવ્યા હતા અને તેને પણ બીસીસીઆઇના અધિકારીએ સમર્થન આપતાં જણાવ્યું હતું કે, 'સીઓએના વડા વિનોદ રાયના વડપણ હેઠળ રીવ્યુ મીટિંગ યોજાશે. જેમાં ટીમમાં અંદરોઅંદર મતભેદ થવાના અહેવાલ અંગે પણ ટીમ મેનેજમેન્ટને સવાલ કરવામાં આવશે. 

ધોની નિવૃત્તિ નહીં લે તો તેને બહાર કરી દેવાશે
વર્લ્ડકપ-૨૦૧૯માં ધીમી બેટિંગ, સાધારણ કીપિંગને કારણે મહેન્દ્રસિંહ ધોનીને ટીકાઓનો સામનો કરવો પડયો છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ મહેન્દ્રસિંહ ધોની સાથે તેના ભાવિ અંગે ચર્ચા કરશે. ધોનીએ હજુ સુધી નિવૃત્તિ અંગે કોઇ નિર્ણય નહીં લીધો હોય તો તેને આગામી મહિને વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાં  સામેલ કરવામાં નહીં આવે. 

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ધોનીનો માત્ર તેની પ્રતિષ્ઠાને આધારે સામેલ કરવામાં નહીં આવે તે નિશ્ચિત છે. ધોનીએ તેની વન-ડે કારકિર્દીમાં અનેક સિદ્ધિ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે, ધોનીએ ૩૫૦ વન-ડેમાં ૫૦.૫૭ની એવરેજથી ૧૦૭૭૩ રન નોંધાવ્યા છે. એક શક્યતા એવી પણ છે કે ધોની વન-ડેમાંથી નિવૃત્તિ લે અને આવતા વર્ષે યોજાનારા ટી૨૦ વર્લ્ડકપ બાદ ટી૨૦માંથી પણ નિવૃત્તિ લઇ શકે છે. 

કેપ્ટન તરીકે કોનો કેવો દેખાવ?

કેપ્ટન વન-ડે જીત હાર ટાઇ

વિરાટ કોહલી ૭૭ ૫૬ ૧૯ ૧

રોહિત શર્મા ૧૦ ૦૮ ૦૨ ૦



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2k3OOXf
via Latest Gujarati News

Post a Comment

0 Comments