કર્ણાટકમાં 'અવિશ્વાસ'ની જીત : કુમારનું 'સ્વામીત્વ' ગયું


વિધાનસભામાં ચાર દિવસ લાંબી મેરેથોન ચર્ચા પછી અંતે વિશ્વાસ મત લેવાયો

ભાજપ આગામી બે દિવસમાં સરકાર રચવા દાવો રજૂ કરે તેવી શક્યતા

બેંગ્લુરૂ, તા. 23 જુલાઇ, 2019, મંગળવાર

કર્ણાટકમાં 16 ધારાસભ્યોના રાજીનામા સાથે છેલ્લા કેટલાક દિવસથી શરૂ થયેલા આ રાજકીય નાટકનો મંગળવારે અંત આવ્યો છે અને બહુમત પરીક્ષણમાં 14 મહિના જૂની કુમારસ્વામીની સરકાર હવે પડી ગઈ છે. ગઠબંધન સરકારની તરફેણમાં 99 મત પડયા જ્યારે સરકારના વિરોધમાં 105 મત પડયા.

વિશ્વાસ મત લેવાયો ત્યારે ગૃહમાં કુલ 204 ધારાસભ્યો હાજર હતા. બસપાના ધારાસભ્યે વિશ્વાસ મત પ્રસ્તાવમાં ભાગ ન લીધો. બીજીબાજુ ભાજપના એક ધારાસભ્ય પણ આ સમયે ગૃહમાં હાજર નહોતા. કોંગ્રેસના 13 અને જેડીએસના 3 એમ કુલ 16 ધારાસભ્યોના રાજીનામા સાથે શરૂ થયેલું નાટક અંતે સરકારની વિદાય સુધી પહોંચ્યું હતું.

 સરકારના પતનના પગલે કુમારસ્વામીએ રાજ્યપાલ વજુભાઈ વાળાને રાજીનામુ આપ્યું હતું. રાજ્યપાલે તેમનું રાજીનામુ સ્વીકાર્યું હતું અને કહ્યું કે નવી વ્યવસ્થા ન ગોઠવાય ત્યાં સુધી તમે કેરટેકર મુખ્યમંત્રી તરીકે રહો. હવે આગામી બે દિવસમાં બી.એસ. યેદ્દીયુરપ્પાના નેતૃત્વમાં ભાજપ રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો કરે તેવી સંભાવના છે.

કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામા અને બે અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછું લીધા પછી મુશ્કેલીમાં મુકાયેલા મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ ગયા ગુરૂવારે વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કર્યો હતો. આ પ્રક્રિયા ચાર દિવસ સુધી ચાલી હતી.

શાસક ગઠબંધને રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા બહુમતી સાબિત કરવા માટે અપાયેલી બે સમય મર્યાદાઓની અવગણના કરી હતી. વિધાનસભા અધ્યક્ષે સરકાર પાસે સોમવારે પ્રક્રિયા પૂરી કરવાની કટીબદ્ધતા લીધા પછી શુક્રવારે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. ત્યાં સુધી કે વ્હિપ અંગે પણ કર્ણાટકના સીએમ કુમારસ્વામી સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા, પરંતુ આ દાવ પણ કામ ન લાગ્યો.

શાસક પક્ષ દ્વારા મતદાન પર વધુ સમય લેવા પ્રયાસ કરતો હોવાના અહેવાલો વચ્ચે સ્પીકર કે.આર. રમેશે સ્પષ્ટ કર્યું કે વિશ્વાસ મત પર હવે વધુ વિલંબ ન થવો જોઈએ. તેમણે કહ્યું, 'આપણે જાહેર જીવનમાં છીએ. લોકો આપણને જોઈ રહ્યા છે. ચર્ચાના નામે સમય પસાર થઈ રહ્યો છે તેવું જણાશે તો તે મારા અથવા અન્ય કોઈના માટે સારૂં નહીં હોય.'

સોમવારે પણ વિશ્વાસ મત પ્રક્રિયા પૂરી કર્યા વિના ગૃહ મુલતવી રખાયું હતું, જે મંગળવારે વિશ્વસામત પર ચર્ચા ચાલુ રહી હતી. કુમારસ્વામીએ લગભગ બે કલાક લાંબી સ્પીચ આપી હતી, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વિશ્વાસ મતથી ભાગશે નહીં. તેમની સ્પીચમાં તેમણે તેમની પાસે આંકડા હોવાનો કોઈ દાવો કર્યો નહોતો.

તેમણે એમ પણ કહ્યું કે આ સરકારના પતન માટે તેઓ બળવાખોરોને જવાબદાર ગણતા નથી. વિશ્વાસ મતની ચર્ચા બાદ અંતે નંબરની ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ. અધ્યક્ષ રમેશકુમારે ધારાસભ્યોને ઊભા કરીને શાસક અને વિપક્ષના મતોની ગણતરી કરી. અધ્યક્ષે દરેક હરોળમાં અધિકારીઓને ઊભા રાખીને ધારાસભ્યોની ગણતરી કરી. પહેલા શાસક પક્ષના અને પછી વિપક્ષના ધારાસભ્યોની ગણતરી થઈ.

સંભવત: ગૃહમાં ધારાસભ્યોની ફિઝિકલી ગણતરી થઈ હોય તેવું પહેલી વખત બન્યું છે.બહુમત પરિક્ષણ પછી કોંગ્રેસ નેતા એચ.કે. પાટીલે કહ્યું કે કોંગ્રેસ-જેડી(એસ) સરકાર વિશ્વાસ મતમાં નિષ્ફળ રહી. અમારા પક્ષના ધારાસભ્યોના વિશ્વાસઘાતના કારણે સરકારનું પતન થયું છે. અમે અનેક વસ્તુઓના પ્રભાવમાં આવી ગયા. કર્ણાટકના લોકો પક્ષ સાથે આ પ્રકારનો વિશ્વાસઘાત સાંખી નહીં લે.

યેદ્દીયુરપ્પાએ કહ્યું આ લોકતંત્રનો વિજય

સરકારના પતન પછી કર્ણાટક ભાજપના ધારાસભ્યોએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદ્દીયુરપ્પાને અભિનંદન આપ્યા. કર્ણાટક ભાજપના અધ્યક્ષ યેદ્દીયુરપ્પાએ કહ્યું કે આ લોકતંત્રનો વિજય છે. કુમારસ્વામીની સરકારથી લોકો પરેશાન થઈ ગયા હતા. હું કર્ણાટકના લોકોને વિશ્વાસ અપાવવા માગું છું કે વિકાસનો એક નવો યુગ હવે શરૂ થશે. અમે ખેડૂતોને આગામી દિવસોમાં વધુ મહત્વ આપીશું તેવી ખાતરી આપીએ છીએ. અમે વહેલામાં વહેલા યોગ્ય નિર્ણયો લઈશું. ભાજપ નેતા જગદીશ શેટ્ટરે કહ્યું કે અત્યારે બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવામાં આવ્યા નથી. આ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારાયા પછી તેઓ ભાજપમાં જોડાય છે કે નહીં એ તેમના પર નિર્ભર છે. હાલ અમારી પાસે 105 ધારાસભ્ય છે અને ભાજપ પાસે બહુમતી છે. અમે એક સ્થિર સરકાર બનાવીશું.

કુમારસ્વામીએ કહ્યું, હું એક્સિડેન્ટલ સીએમ, નસીબ રાજકારણમાં લાવ્યું

વિશ્વાસ મત પર મતદાન પહેલાં એચડી કુમારસ્વામીએ ભાવુક ભાષણ આપતા કહ્યું હતું કે તેમને પદની કોઈ લાલચ નથી. હું રાજકારણમાં આવવા માગતો નહોતો, પરંતુ નસીબ મને અહીં લઈ આવ્યું. તેમના ભાવુક સંબોધનને વિદાય ભાષણ મનાઈ રહ્યું છે. તેમણે કહ્યું, હું ખૂબ જ સંવેદનશીલ અને ભાવુક વ્યક્તિ છું. મેં મારા વિરૂદ્ધ રિપોર્ટ્સ જોયા તો વિચાર્યું કે શું આ બધું જોયા પછી પણ મારે સીએમપદે રહેવું જોઈએ. મને ખૂબ જ ઠેસ પહોંચી છે અને હું સીએમપદનો ત્યાગ કરવા માટે તૈયાર છું. તેમણે એમ પણ કહ્યું કે આ પદ કોઈના માટે કાયમી નથી. રાજ્યમાં 23 મુખ્યમંત્રીઓ થઈ ગયા છે. આ બધું રાજકારણનો એક ભાગ છે.

બેંગ્લુરૂમાં કલમ 144 લાગુ, અનેક જગ્યાએ કાર્યકરોમાં અથડામણ

કુમારસ્વામીના રાજીનામા બાદ શહેરમાં રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે સંઘર્ષની આશંકાને પગલે બેંગ્લુરૂ પોલીસે કોઈપણ પ્રકારના જોખમને અટકાવવા 25થી વધુ પબ, બાર અને દારૂની દુકાનો બંધ કરાવી દીધી છે અને શહેરમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે, જે મંગળવાર અને બુધવાર સુધી લાગુ રહેશે તેમ બેંગ્લુરૂના પોલીસ કમિશનર આલોક કુમારે કહ્યું હતું. 

મે 2018માં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારની રચના થઈ ત્યારની સ્થિતિ

જેડીએસ 37, કોંગ્રેસ 79,  બસપ 1 = 117

ભાજપ 105, કેપીજેપી 1,  અપક્ષ 1 = 107

કર્ણાટકના ઈતિહાસમાં 25માંથી માત્ર ત્રણ જ મુખ્યમંત્રી કાર્યકાળ પૂરો કરી શક્યા

બેંગ્લુરૂ, તા. 23 જુલાઇ, 2019, મંગળવાર

કર્ણાટકે તેના 63 વર્ષના ઈતિહાસમાં 23 મુખ્યમંત્રી જોયા છે, જેમાંથી માત્ર ત્રણ જ મુખ્યમંત્રી તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા છે. આ ત્રણેય મુખ્યમંત્રી કોંગ્રેસના હતા. એચડી કુમારસ્વામીના નેતૃત્વમાં ગઠબંધન સરકારનું સત્તા પર આવ્યાના 14 મહિનામાં પતન થતાં તેમનો કાર્યકાળ પૂરો નહીં કરી શકતા મુખ્યમંત્રીઓની યાદીમાં વધુ એક નામ ઉમેરાઈ ગયું છે.

એસ. નિજલિંગપ્પા (1962-68), ડી. દેવરાજા ઉર્સ (1972-77) અને સિદ્ધારમૈયા (2013-2018)એ મુખ્યમંત્રી તરીકે તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. આ સિવાય કર્ણાટકમાં કોઈપણ મુખ્યમંત્રી તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી, જેમાં ભાજપના બીએસ યેદ્દીયુરપ્પા અને જેડીએસના કુમારસ્વામીનો પણ સમાવેશ થાય છે.

કુમારસ્વામીનો મુખ્યમંત્રી તરીકેનો પ્રથમ વખતનો કાર્યકાળ ફેબુ્રઆરી 2006થી ઓક્ટોબર 2007 એમ બે વર્ષથી ઓછો સમય ચાલ્યો હતો, જેમાં તેમણે ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી.

સત્તાની વહેંચણી મુદ્દે ભાજપ સાથે મતભેદો સર્જાતા તેમણે રાજ્યમાં ભાજપને ટેકો આપવાનો ઈનકાર કર્યો હતો. મુખ્યમંત્રી તરીકે તેમનો બીજો કાર્યકાળ કોંગ્રેસ-જેડીએસના જોડાણથી મે 2018માં શરૂ થયો હતો, જે માત્ર 14 મહિના જ ચાલી શક્યો.

ભાજપના કિસ્સામાં બીએસ યેદ્દીયુરપ્પા 2007માં સૌપ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ જેડીએસે ટેકો પાછો ખેંચતા માત્ર સાત જ દિવસ સીએમ રહી શક્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લદાયું હતું.

મે 2008માં યેદ્દીયુરપ્પાના નેતૃત્વમાં ભાજપે રાજ્યમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો અને તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ ભ્રષ્ટાચારના કારણે જુલાઈ 2011માં તેમણે પદ છોડવું પડયું હતું.

2018માં તેઓ માત્ર છ દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1956માં કર્ણાટકની રચના થઈ ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યે 25 મુખ્યમંત્રીઓ જોયા છે અને તેમાંથી મોટાભાગના કોંગ્રેસના હતા.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2y70kV6
via Latest Gujarati News

Post a Comment

0 Comments