કર્ણાટકનું કોકડું ગુંચવાયું : વિધાનસભામાં રાજ્યપાલના હસ્તક્ષેપ સામે જેડીએસ-કોંગ્રેસ સુપ્રીમમાં


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 19 જુલાઇ, 2019, શુક્રવાર

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે તેવા સમયે જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકારે શુક્રવારે પણ વિધાનસભામાં વિશ્વાસનો મત પુરવાર કરવાની રાજ્યપાલ વજુભાઈ વાળાની બે વખતની ડેડલાઈનની અવગણના કરતાં રાજ્યમાં બંધારણીય કટોકટી સર્જાઈ છે અને નવેસરથી કાયદાકીય જંગ ખેલાશે તેમ મનાય છે.

પખવાડિયા પહેલા ૧૫ ધારાસભ્યોના રાજીનામા સાથે રાજ્યમાં શરૂ થયેલું રાજકીય નાટક હજી પણ ચાલુ છે ત્યારે વિધાનસભામાં સરકાર વિશ્વાસ મત પર મતદાન કરવામાં નિષ્ફળ ગઈ છે. સ્પીકર કે.આર. રમેશ કુમારે સોમવાર સુધી ગૃહ મૂલતવી રાખતાં વિશ્વાસ મતની પ્રક્રિયા સોમવાર સુધી લંબાઈ છે. આથી બધાની નજરો હવે રાજ્યપાલ વજુભાઈ વાળાના આગામી પગલાં પર છે.

ગૃહમાં વિશ્વાસ મતની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે રાજ્યપાલે મુખ્યમંત્રીને પહેલા ૧.૩૦ વાગ્યા સુધીમાં અને પછી સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં વિશ્વાસ મત લેવા માટે નિર્દેશો આપ્યા હતા. આથી, કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત અગાઉની ચર્ચા દરમિયાન વિધાનસભાની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવા બદલ જેડીએસ અને કોંગ્રેસે રાજ્યપાલ વજુભાઇ વાળા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. 

બીજી તરફ કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષે વિધાનસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરતા હવે સોમવારે જ વિશ્વાસ મત લેવામાં આવશે. કોંગ્રેસ-જેડીએસ સરકારે રાજ્યપાલ વજુભાઇ વાળાની બે ડેડલાઇન ફગાવતા વિધાનસભા અધ્યક્ષ  કે આર રમેશકુમારે વિધાનસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દીધી છે. 

વજુભાઇ વાળાએ આજે બપોરે ૧.૩૦ સુધીમાં વિશ્વાસ મત પુરવાર કરવાનો સમય આપતા મુખ્યપ્રધાન કુમારસ્વામી અને કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગુંડુએ સુપ્રીમમાં અલગ અલગ અરજી દાખલ કરી હતી. 

બંને અરજીઓમાં સુપ્રીમ કોર્ટ પાસેથી તેના ૧૭ જુલાઇના ચુકાદા અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે. ૧૭ જુુલાઇએ સુપ્રીમ કોર્ટે જેડીએસ-કોંગ્રેસના ૧૫ બળવાખોર ધારાસભ્યોને રાહત આપતા જણાવ્યું હતું કે તેમને વિધાનસભાની કાર્યવાહીમાં હાજર રહેવાની ફરજ પાડી ન શકાય.

કુમારસ્વામીએ સુપ્રીમમાં દાખલ કરેલી અરજીમાં વજુભાઇ વાળા દ્વારા નક્કી કરવામાં આવેલી ડેડલાઇન સામે પ્રશ્રો ઉઠાવ્યા છે. બીજી તરફ રાવે પોતાની અરજીમાં જણાવ્યું છે કે સુપ્રીમે ૭૯ ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસને સામેલ કર્યા વગર ચુકાદો આપ્યો છે. 

આ બંને અરજીઓ સુપ્રીમમાં એ વખતે દાખલ કરવામાં આવી જ્યારે કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત અંગે ચર્ચા ચાલી રહી હતી. કોંગ્રેસે પોતાની અરજીમાં જણાવ્યું છે કે બળવાખોર ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવાની ફરજ ન પાડી શકાય તેવો સુપ્રીમનો ચુકાદો અયોગ્ય છે કારણકે આ ચુકાદો વ્હી પજારી કરવાના પક્ષના અધિકારની વિરૂદ્ધ છે. 

કોંગ્રેસ-જેડીએસે ૨૦૧૬માં અરૂણાચલના કેસમાં સુપ્રીમના ચૂકાદાને ટાંક્યો

રાજ્યપાલ સ્પીકરને 'માર્ગદર્શન' આપી શકે નહીં : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 19 જુલાઇ, 2019, શુક્રવાર

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈવાળાએ મુખ્યમંત્રી કુમાર સ્વામીને તેમની બહુમતી સાબિત કરવા માટે બે વખત ડેડલાઈન આપી છે ત્યારે ૨૦૧૬માં અરૂણાચલ પ્રદેશના કેસમાં સુપ્રીમ કોર્ટનો ચૂકાદો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. 

આ ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યપાલ સ્પીકરની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરી શકે નહીં, કારણ કે તે સ્પીકરના માર્ગદર્શક કે મેન્ટર નથી. વર્ષ ૨૦૧૬માં સર્વોચ્ચ અદાલતે અરૂણાચલ પ્રદેશમાં વહેલા ફ્લોર ટેસ્ટ લેવાના રાજ્યપાલ જે.પી. રાજખોવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો.

તત્કાલીન સીજેઆઈ જે. એસ. ખેહરના અધ્યક્ષપદે પાંચ જજોની બંધારણીય બેન્ચે રાજ્યપાલ રાજખોવાના નિર્ણયને રદ કરી નબામ તુકીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર પુન: સ્થાપિત કરી હતી અને બંધારણ હેઠળ રાજ્યપાલની સત્તાઓ વિગતે જણાવી હતી.

 સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકરને દૂર કરવામાં રાજ્યપાલની કોઈ ભૂમિકા નથી હોતી. કારણ કે રાજ્યપાલ અને સ્પીકર બંને સ્વતંત્ર બંધારણીય જવાબદારીઓ છે. રાજ્યપાલ લોકપ્રતિનિધિઓથી 'ઉપલી સત્તા' હોઈ શકે નહીં. આથી ગૃહમાં બહુમતી સરકાર મારફત લોકતાંત્રિતક પ્રક્રિયાઓ ચાલુ હોય ત્યાં સુધી તેઓ કોઈ દરમિયાનગીરી કરી શકે નહીં.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xV1LG9
via Latest Gujarati News

Post a Comment

0 Comments